May 25, 2012
ચાલો ફરવા
ભા રતનાં વિવિધ હિલ સ્ટેશનો પૈકી ખંડાલા એવું ફરવાલાયક સ્થળ છે જે વર્ષ દરમિયાન પ્રવાસીઓનું પ્રિય સ્થળ બની રહે છે. મહારાષ્ટ્રમાં આવેલું ખંડાલા કુદરતી સૌંદર્યથી છલકાતું પ્રવાસન સ્થળ છે.૬૨૫ મીટરની ઊંચાઈએ આવેલા ખંડાલામાં પ્રવેશતા જ હરિયાળા વાતાવરણનો અનુભવ થાય છે. નજર સામે રહેલું લીલુંછમ દૃશ્ય આંખને ઠંડક આપે છે.
સહ્યાદ્રી માઉન્ટેન રેન્જમાં આવેલા ખંડાલામાં પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. ખંડાલા મુંબઈથી ૧૦૧ કિલોમીટરની દૂરી પર આવેલું છે જ્યારે પૂણેથી ૬૯ કિલોમીટરનું અંતર છે.
લોનાવાલા પણ લોકપ્રિય સ્થળ છે અને તે ખંડાલાથી માત્ર ૫ કિલોમીટર જ હોવાથી આ તરફ આવતા સહેલાણીઓ એક સાથે આ બંનેનો પ્રવાસ ખેડી લે છે.
ઉનાળાનો સમયગાળો ખંડાલા જવા માટે સૌથી શ્રેષ્ઠ છે, કેમ કે જુલાઈ માસ સુધી અહીંનું વાતાવરણ એકદમ સામાન્ય હોય છે જ્યારે ચોમાસામાં ક્યારેક ભારે વરસાદ પડતો હોવાથી સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓની ભીડ ઓછી જોવા મળે છે.
ખંડાલાનો ઇતિહાસ મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલો હોવાનું મનાય છે. આ સ્થળ પર એક સમયે શિવાજીની આણ પ્રવર્તતી હતી. ઊંડી ખીણો, વિશાળ તળાવ, ઐતિહાસિક કિલ્લો અને સુંદર ધોધ ખંડાલા ભણી સહેલાણીઓને આકર્ષે છે.