Tuesday, October 29, 2013
Friday, October 4, 2013
ચાલો ખૂબસૂરત બીચની સફરે.... (ટ્રાવેલ)
ટ્રાવેલ - બીજલ
દરેક નવા યુગલ માટે તેમનું પહેલું હનીમૂન એક હસીનસપનાં જેવું હોય છે અને તેઓ ઇચ્છે છે કે,તેમનું પ્રથમ હનીમૂન જીવનભર તેમને સુમધુર પળોની યાદ અપાવનારું બની રહે. જો નવપરિણીત યુગલ પોતાના હનીમૂનની પળોને ઓર ખૂબસૂરત બનાવવા ઇચ્છતા હોય તો ચાલો ભારતના આ ખૂબસૂરત અને રોમેન્ટિક બીચ પર...દરેક નવું યુગલ ઇચ્છતું જ હોય છે કે, તેમનું હનીમૂન યાદગાર અને ખૂબસૂરત નીવડે. તો ચાલો ભારતના એવાં કેટલાંક બીચની સફરે...
કેરાલા
કોવાલમ બીચ : કેરળનો કોવાલમ બીચ દેશના સૌથી સારા અને રોમેન્ટિક બીચમાંનો એક મનાય છે. કોવાલમ બીચ નવા પરણેલા યુગલો માટે એક સાથે રોમેન્ટિક પળ ગુજારવા માટે એક દમદાર જગ્યા છે. ઊંચા ઊંચા નાળિયેરનાં વૃક્ષોની વચ્ચે આવેલા આ સમુદ્રતટના કિનારે પાણીની ઊડતી-બેઠતી લહેરો લોકોના મનમાં રોમાંચની સાથોસાથ પ્રેમની એક લહેર પેદા કરી મૂકે છે. અહીંયાં વિતાવેલી રોમેન્ટિક પળો કોઈપણ યુગલ માટે જીવનભર યાદગાર બની રહે તેવી હોય છે, એ જ કારણસર અહીંયાં આવનારા સહેલાણીઓમાં નવપરિણીત યુગલોની સંખ્યા અધિક હોય છે.- મુખ્ય આકર્ષણ : કોવાલમ બીચની પાસે જ બે અન્ય બીચ લાઈટ હાઈસ, ઇવનિંગ બીચ પણ આવેલાં છે. આ બીચ પર પાણીની ઊંડાઈ અધિક નથી, એટલે સહેલાણીઓ નીલા પાણીમાં સ્વિમિંગ અને વોટર સ્કીઇંગનો આનંદ ઉઠાવી શકે છે, સાથોસાથ સનબાથનો આનંદ પણ માણી શકે છે. દિવસભર પાણીમાં મસ્તી કર્યા પછી તમે કોવાલમ બીચ પાસે યોજાનારા પારંપારિક કથકલી નૃત્યનો આનંદ માણી શકો છો, તો અહીંયાં તમે આયુર્વેદિક મસાજ પણ કરાવી શકો છો અને હરવા-ફરવાથી લાગેલો થાક ઉતારી શકો છો.
- કેવી રીતે જશો? : આ બીચ કેરળની રાજધાની તિરુવનંતપુરમ્ (ત્રિવેન્દ્રમ્)થી લગભગ ૧૬ કિ.મી.ના અંતરે આવેલો છે. ત્રિવેન્દ્રમ્ સુધી તમે હવાઈ-રેલ- સડક માર્ગે પહોંચી શકો છો, તે પછી ત્યાંથી કોવાલમ બીચ માટે ટેક્સી, બસ અને ઓટોરિક્ષા મળી રહે છે.
ગોવા
ગોવાના બીચ પ્રેમી યુગલો અને નવપરિણીત યુગલો માટે પણ ખૂબસૂરત અને રોમેન્ટિક સ્થળ છે. અહીંયાં તમે ખુલ્લાં આસમાનનીનીચે તાડ અને ખજૂરનાં વૃક્ષોની વચ્ચે પ્રકૃતિનો ભરપૂર આનંદ માણી શકો છો. અહીંયાંના તો ડઝનથીય અધિક સાગરતટ વર્ષ દરમિયાન દેશી-વિદેશી પર્યટકોથી ભરપૂર રહે છે.- અંજુના બીચ : આ બીચ પર માઈલો સુધી હરિયાળી વચ્ચે ઝૂમતાં વૃક્ષોની વચ્ચે પ્રકૃતિના અનોખા સૌંદર્યની ઝલક જોવા મળે છે. સફેદ રેતી અને નીલા પારદર્શી પાણીને કારણે એ ખૂબસૂરતીમાં ઓર વધારો કરી મૂકે છે. શાંત વાતાવરણની વચ્ચે પાણીની લહેરોના પથ્થરની શિલાઓ સાથે ટકરાવાથી અદ્ભુત ધ્વનિ ગુંજી ઊઠે છે. સૂર્યાસ્તનો નજારો જોવા જેવો બની રહે છે, તો ચાંદની રાતમાં સફેદ રેતી પર પથરાયેલી ચાંદનીની વચ્ચે તમે તમારા સાથીની સાથે હરવા-ફરવાનો આનંદ માણો તે કંઈક ઓર જ અનુભૂતિ કરાવી જાય છે. જે અહીંયાં એકવાર આવે છે તે વારંવાર આવવાની ઇચ્છા સાથે જ અહીંથી જાય છે.
- ક્યારે જશો? : નવેમ્બરથી માંડીને જાન્યુઆરી સુધીનો સમય સૌથી સારો છે. ખાસ કરીને ડિસેમ્બરમાં ક્રિસમસ અને ન્યૂ ઇયરની ઉજવણી માટે અહીંયાં ખાસ તૈયારીઓ કરાય છે.
- કેવી રીતે પહોંચશો? : આ ગોવાની રાજધાની પણજીથી માત્ર ૧૮ કિ.મી.ના અંતરે આવેલો છે. ગોવા આખા દેશ સાથે હવાઈ માર્ગે જોડાયેલું છે. અહીંયાં પુના અને મુંબઈથી બસ દ્વારા પણ પહોંચી શકાય છે.
કોલ્વા બીચઃ
કોલ્વા બીચ પર સૂર્ય અને સમુદ્રનું મિલન પ્રકૃતિનું એક અનોખું દૃશ્ય બનાવી દે છે. પ્રકૃતિની આ અણમોલ છટાને પર્યટકો ઓર મનમોહક બનાવી દે છે. હનીમૂન કપલ્સ માટે ઉત્તમ જગ્યા છે. રહેવા માટે અહીંયાં સારી સુવિધા છે.ડોના પાઉલાઃ ગોવાનો આ સાગરતટ પ્રેમીઓનું સ્વર્ગ ગણાય છે,કેમ કે અહીંયાં બહુ પહેલાં વાઈસરોયની બેટી ડોના પાઉલાએ પોતાના પ્રેમી માછીમારની સાથે લગ્ન ન થવા પર શિલા પરથી કૂદીને પોતાના પ્રાણ આપી દીધાં હતાં. ત્યારથી આ બીચનું નામ ડોના પાઉલા પડી ગયું છે. આ પ્રેમ સ્ટોરીને કારણે હનીમૂન કપલ્સ આ સાગરતટ પર આવવાનું ખાસ પસંદ કરે છે. અહીંયાં ગોવાનું ખૂબ જૂનું ચર્ચ પણ છે. જેને અવશ્ય જોવું. જો તમે વોટર સ્પોર્ટ્સનો આનંદ ઉઠાવવા માગતા હોવ તો આ બીચ પર વોટર સ્પોર્ટ્સની સારી સુવિધા છે.
પોંડિચેરી
ઓરો બીચ : પોંડિચેરીનો આ સુંદર સાગરતટ દેશી-વિદેશી પર્યટકોની સાથોસાથ નવપરિણીત યુગલો માટે પણ ખાસ પ્રિય સ્થળ છે. અહીંયાં સહેલાણીઓ રેતી, જળ અને તાપનો આનંદ ઉઠાવતાંનજરે ચઢે છે. અહીંયાંના સ્થાનિક લોકોએ પોતપોતાના ઘરોમાંનાની-નાની રેસ્ટોરાં પણ ખોલી રાખી છે, જે પર્યટકોને ચા-નાસ્તો ઉપલબ્ધ કરાવે છે.- કેવી રીતે જશો? : ઓરો સાગરતટની સફર કરવા માટે ઓક્ટોબરથી માંડીને માર્ચ સુધીનો સમયગાળો સૌથી ઉત્તમ રહે છે. એમ તો અહીંયાં વરસાદના થોડા દિવસો છોડીને ક્યારેય પણ તમે જઈ શકો છો.
- કેવી રીતે પહોંચશો? : પોંડિચેરી પહોંચવાનો સૌથી સરળ રસ્તો તો ટ્રેન કે હવાઈ જહાજથી ચેન્નાઈ પહોંચીને ત્યાંથી બસ કે ટેક્સી દ્વારા પોંડિચેરી પહોંચવાનો છે. સડક માર્ગ સાથે પોંડિચેરી સારી રીતે બધાં જ પાડોશી રાજ્યો સાથે જોડાયેલું છે. ત્યાં જ પોંડિચેરીથી ચેન્નાઈ જનારા માર્ગ પર હાઈવેથી ડાબા હાથે લગભગ ૩૦૦ મીટરના અંતર પર જ ઓરો બીચ આવેલો છે.
આંદામાન-નિકોબાર
વિજ્યાનગર બીચ : આંદામાન-નિકોબાર આઈસલેન્ડ પર આવેલ વિજયનગર સમુદ્રતટ હનીમૂન કપલ્સ માટે એકદમ ઉત્તમ જગ્યા છે. સાથે જ પ્રાકૃતિક અને ઐતિહાસિક વારસાથી સમૃદ્ધ જગ્યા છે. આ સાગરતટ પ્રકૃતિની સુંદરતા અને રોમાંચક ખેલો માટે જાણીતો છે. અહીંયાં સફેદ રેતી અને સાગરતટના કિનારે ઊભેલાંનાળિયેરનાં વૃક્ષોની વચ્ચે લહેરોની જે તરંગો ઊઠે છે તે તરત જ લોકોના દિલોમાં ગુદગુદી પેદા કરી દેનારી હોય છે. એમ તો આંદામાન-નિકોબારમાં બીજાં કેટલાંક ઘણાં સાગરતટો છે, પણ વિજયનગર બીચની છટા સૌથી નિરાળી છે. અહીંયાં તમે સાગર કિનારે ટહેલવાની સાથોસાથ રોમાંચક વોટર સ્પોર્ટ્સનો આનંદ પણ ઉઠાવી શકો છો. ખાસ કરીને સ્કૂબા ડાઈવિંગનો.
- ક્યારે જશો? : સૌથી ઉત્તમ સમય નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીનો હોય છે.
- કેવી રીતે જશો? : ચેન્નાઈ અને કોલકાતાથી પોર્ટ બ્લેયર માટે હવાઈ સેવાઓ ઉપલબ્ધ છે. જો તમે સાગરમાર્ગે જવા ઇચ્છતાં હોવ તો ચેન્નાઈ, કોલકાતા અને વિશાખાપટ્ટનમ્થી તમે સીધા જઈ શકો છો.
વર્ષાઋતુમાં જોવા જેવા રમણિય સ્થળો (ટ્રાવેલ)
ટ્રાવેલ - બીજલ
ભારતમાં વર્ષાઋતુને સૌ કોઈ વધાવે છે. વાવણી કર્યા બાદ ખેતરમાં વરસતો વરસાદ ભરપૂર ધાન્ય ઉગાડે છે. આકરી ગરમીથી ત્રાસેલા લોકોના તનમનને વરસાદ ટાઢક આપે છે. વનસ્પતિ અને સમગ્ર જીવસૃષ્ટિ વર્ષાના આગમન બાદ નવું જીવન પામે છે. સમગ્ર સૃષ્ટિને ધોઈને, તાજગી આપીને વર્ષા ઋતુ નવા ફૂલપાન વગેરેથી સૃષ્ટિને સજાવે છે. ચારેય બાજુ રંગોની શોભા, શીતળતા અને નિખાર દૃષ્ટિગોચર થાય છે. જો શહેરનું વાતાવરણ વર્ષા ઋતુના આગમનથી આટલું સુંદર બનતું હોય તો જે સ્થળો પર પ્રકૃતિની સુંદરતાની મહેર હોય તે સ્થળો વર્ષા ઋતુમાં કેવું સ્વરૂપ ધારણ કરતાં હશે એ પ્રશ્ન રસિકોના મનમાં જરૂર ઊઠશે? આપણા દેશમાં તેમ જ વિશ્વમાં આવેલા સુંદર પર્યટન સ્થળો વર્ષા ઋતુમાં કેવા દેખાય છે, કયા સ્થળની કઈ ખાસિયત કે વિશિષ્ટતા જોવા મળે છે તે પ્રકૃતિ-પ્રેમી પ્રવાસીઓના અનુભવ પરથી જાણીશું.
નાલદેહરા
સિમલાથી એક કલાકની સડક-મુસાફરી દ્વારા નાલદેહરા પહોંચાય છે. આ સ્થળની ચારે બાજુ હિમાલયના પર્વતોની હારમાળા છે. અહીંનો સૂર્યોદય અને સૂર્યાસ્ત રમણિય હોય છે અને કુદરતનો આનિત્યક્રમ રોજ નવો, અલૌકિક અનુભવ કરાવે છે. ઊગતો સૂર્ય જે રીતેપર્વતના શિખરોને પોતાના સુવર્ણ પ્રકાશમાં ક્રમબદ્ધ રીતે આવરતો જાય છે, પર્વતના હિમાચ્છાદિત શિખરો જે રીતે સૂર્યના કિરણોમાં ચમકીને પ્રકાશને પરાર્વિતત કરે છે તે દૃશ્ય શહેરીજનોને તો ક્યારેય જોવા ના મળે તેવું દુર્લભ છે. સૂર્યના પ્રથમ કિરણે જનિદ્રામાંથી જાગેલા પંખીઓ પોતાના મધુર કલરવથી સૂર્યદેવને વધાવતા જોવા મળે છે. જમીન અને પર્વતોની સપાટીઓ પર દેખાતાં પ્રકાશ-છાયાના ખેલ, હરિયાળા ઢોળાવો અને ખીણો,તળેટીની ગોદમાં લપાયેલા નાનકડા-અટૂલા મંદિરો, ઊભી ભેખડો પર લહેરાતી ધજાવાળા ઉન્નત દેવાલયો નાલદેહરાની ૬૫૦૦ ફૂટની ઊંચાઈ પર એક નવી દુનિયાનો અનુભવ કરાવે છે. ભારતના અંગ્રેજ વાઈસરોય લોર્ડ કર્ઝનને આ સ્થળ એટલું પસંદ આવ્યું હતું કે, તેમણે પોતાની એક દીકરીનું નામ 'એલેકઝાન્ડ્રાનાલદેહરા' પાડયું હતું.આસપાસનાં જંગલોમાં દોડતી સાંકડી કેડીઓ સર્પાકાર લાગે છે. ચિંડી-વેલીના વિસ્તારો અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યનું દર્શન કરાવે છે.નાલદેહરાની ગોલ્ફ ક્લબ દેશની બીજા નંબરની જૂની ક્લબ છે. ચોમાસા દરમિયાન આ ક્લબમાં શ્રેષ્ઠ ગ્રીનકાર્પેટ જોવા મળે છે જે ગોલ્ફર્સ માટે લહાવો છે.
કેવી રીતે પહોંચશો?
સિમલાથી નાલદેહરા ૨૨ કિલોમીટરના અંતરે છે અને સડકમાર્ગે જવાય છે. સૌથી નજીકનુું વિમાનીમથક દિલ્હી છે. દિલ્હીથીનાલદેહરા સડકમાર્ગે તેમ જ ટ્રેન દ્વારા કાલ્કા સુધી જવાય છે. કાલ્કાથી ટોય ટ્રેન દ્વારા સિમલા જવામાં છ કલાક લાગે છે. અહીં રહેવા માટે ઘણી હોટેલો છે.
કૂર્ગ
દક્ષિમ કર્ણાટકમાં આવેલું 'કૂર્ગ' એક સુંદર પ્રવાસધામ છે. અહીંનું દુબારે-ફોરેસ્ટ મનુષ્યના વિક્ષેપથી દૂષિત ન થયું હોવાને કારણે પ્રકૃતિના અસલ સ્વરૂપનો પરિચય કરાવે છે. છુપાઈને બેઠેલા પક્ષીઓની મધુર ગુંજ, વનસ્પતિની તાજી સુગંધ વર્ષાઋતુ દરમિયાનતેની ચરમસીમાએ હોય છે.નિસર્ગધામ ખાતે એલિફન્ટ-કેમ્પ છે. અહીં હાથીઓ સાથે સમય પસાર કરી શકાય છે. ત્યાંથી થોડા કિલોમીટરના અંતરે 'બાપલેકુપ્પી'નામની બુદ્ધિસ્ટ વસાહત છે જે ધરમશાલા પછી બીજું સ્થાન ધરાવે છે.
કેવી રીતે પહોંચશો?
સૌથી નજીકનું એરપોર્ટ બેંગલુરુ છે. જે કૂર્ગથી ૨૪૫ કિ.મી. દૂર છે. સૌથી નજીકનું માયસોર રેલવે સ્ટેશન અહીંથી ૧૦૦ કિ.મી.ના અંતરે છે. બીજાં એરપોર્ટ્સ ૧૯૫ કિ.મી. દૂર મેંગલોર અને ૨૧૦ કિ.મી. દૂરકાલિકટ છે.
રહેવા માટે અહીં રિસોર્ટ, કોટેજીસ, ટેન્ટ્સ તેમ જ વિલાઝ ઉપલબ્ધ છે. આસપાસમાં બીજાં વિકલ્પો પણ છે.
મકાઉ
'મકાઉ' એ હવે ચાઈનીઝ ટેરિટરી છે. એક સમયે તે પોર્ટુગીઝ કોલોની હતું. ઓગણત્રીસ ચોરસમીટર વિસ્તાર ધરાવતું મકાઉ અત્યારે પૂર્વનું લાસ-વેગાસ ગણાય છે. તે ચીનનું ગેમ્બલિંગ ડેન છે. અનેક સુંદર રિસોર્ટ્સ અને સુવિધાઓ ધરાવતું મકાઉ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે.આ સ્થળ વર્ષો પહેલાં અફીણના વેપારનું કેન્દ્ર હતું. અહીં અનેક ચાંચિયાઓ પણ આવતા-જતા હતા. વર્ષો સુધી તે અનેક જાતિઓના સામ્રાજ્ય- શાસન હેઠળ હતું. ચીની અને પોર્ટુગીઝ સંસ્કૃતિની અસર હેઠળ અહીં બૌદ્ધ મંદિરો અને દેવળો જોવા મળે છે. અહીંના મેદાનો અનેક ફૂલોથી સુશોભિત હોય છે. સાંજના સમયે અહીંના કેસિનોની ઝાકઝમાળ જોવા જેવી હોય છે.
કેવી રીતે પહોંચશો?
મકાઉનું પોતાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. હોંગકોંગ સાથે પણ તે સારી રીતે જોડાયેલું છે.
ભારતીયો માટે મકાઉ, હોંગકોંગ જવા માટે વિઝાની જરૂર નથી. અહીંથી એન્ટ્રી પરમિટ મળે છે.
અહીં રહેવા માટેની ઘણી હોટેલો છે.
ઓસ્ટ્રિયાનું 'ઇન્સબ્રુક'
ઓસ્ટ્રિયાના ટાયરોલ-પ્રોવિન્સનું પાટનગર 'ઇન્સબ્રુક' આલ્પ્સ પર્વતોની મધ્યમાં આવેલું છે. અહીંના પર્વતો, જંગલો, ખીણો મંત્રમુગ્ધ કરે તેવા છે. આ શહેર રિવર-ઇન નદી પર આવેલું છે. શહેરની ફરતે અણિયાળા પર્વતો ઘેરીને ઊભા છે. માઉન્ટેનિયર્સ માટે આ સ્થળ શ્રેષ્ઠ છે. ભૂખરા-લીલા રંગની નદીને કિનારે મૂકેલા બાંકડા પર, ઘનઘોર વૃક્ષોની નીચે તેમ જ કેફેઝમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો બેઠેલા હંમેશાં નજરે પડે છે. આ જગ્યા ૫૫૦૦ ફૂટ ઊંચા'નોર્ડકેટે' પર્વતની તળેટીમાં છે. આ પર્વતના શિખરો ઉનાળામાં પણ હિમાચ્છાદિત હોય છે. 'ઓલ્ડ ટાઉન' વિસ્તારમાં નાનકડી શેરીઓ, જૂની શૈલીના મોટાં મકાનો, એપલ-સ્ટ્રડલ અને લોકલ-વાઈનમાણતા પ્રવાસીઓ જોવા મળે છે. અહીં હરિયાળી અને સુંદર ફૂલોની બિછાત ચારે બાજુ જોવા મળે છે. સાંજના સમયે ઢળતો સૂર્ય હિમાચ્છાદિત શિખરોને સ્પર્શીને ચારે બાજુ ગુલાબી આભા પાથરે છે.
કેવી રીતે પહોંચશો?
મુંબઈ અને દિલ્હીથી ઓસ્ટ્રિયન એરલાઈન્સની ફ્લાઈટ્સ વિયેના સુધી જાય છે. વિયનાથી કનેક્ટિંગ ફ્લાઈટ ઈન્સબ્રુક લઈ જાય છે. અહીં દરેક પ્રકારની રહેઠાણ વ્યવસ્થા મળી રહે છે.
'કુબર-પેડી'-
ઓસ્ટ્રેલિયાનો પાતાળલોકદક્ષિણ ઓસ્ટ્રેલિયામાં આવેલું 'કુબર-પેડી' કોઈને કલ્પના ના આવે તેવું સ્થળ છે. આ નગરમાં 'ઓપલ' (લસણિયો રત્ન)ની ખાણો છે. અહીં મોટાંભાગના રહેવાસીઓ જમીનની નીચે કામ કરે છે અને રહે છે. તેમાં બેંતાલીસ દેશોના લોકો છે જેમાં કેટલાંક ભારતીય પણ છે. અહીં જમીનની નીચે દેવળો પણ છે. અહીં વિશ્વની એકમાત્ર ભૂમિગત ફોર-સ્ટાર હોટેલ છે. બહારના ભાગમાં જ્યારે મહત્તમ તાપમાન ૫૦ં અને લઘુતમ તાપમાન ૫ં હોય છે ત્યારે આ નગરમાં ૨૦ંથી ૨૫ં ખુશનુમા વાતાવરણ હોય છે. અહીં પરમિટ લઈને એક વર્ષ રહી શકાય છે અને ખાણકામમાં નાણાં રોકીને મર્યાદિત હક પણ મળે છે. અહીં 'ડાઉન એન્ડ ડર્ટી ટૂર' દ્વારા બંધ થઈ ગયેલી ખાણોની મુલાકાત લઈ શકાય છે. તેમાં જમીનની અંદર બનાવેલા દેવળો અને ઘરો જોઈ શકાય છે. આ ટૂરનું સૌથી મોટું આકર્ષણ છે 'બ્રેકવેઝ એન્ડ મૂન-પ્લેન્સ'નું દર્શન. આ જગ્યા આમ તો ખાલીખમ છે, પરંતુ તેનો ભૂમિપટ ચંદ્ર જેવો પણ જોવા મળે છે. નગરની ધાર પર આવેલો આ પટ્ટો ખડકાળ, પરંતુ રંગીન અને ચિત્રવત્ સુંદર છે. અહીં આવ્યા બાદ કોઈ બીજાં ગ્રહ પર આવી ગયાની અનુભૂતિ થાય છે.
કેવી રીતે પહોંચશો?
એડીલેડથી ૮૪૦ કિ.મી. દૂર અને એલિસ-સ્પ્રિંગ્સની દક્ષિણે ૭૫૦ કિ.મી.ના અંતેર કુબર-પેડી આવેલું છે. બંને શહેરો સાથે તે સ્ટુઅર્ટ-હાઈવેથી જોડાયેલું છે. એડીલેડથી ફ્લાઈટ દ્વારા ત્યાં જઈ શકાય છે. રહેવા માટે અહીં ઘણી હોટેલો છે.
કેન્યન સફારી
કેન્યન સફારીના સ્થળ સુધીનો પ્રવાસ સ્વયં ખૂબ સાહસભર્યો અને રોમાંચક છે. અહીંની ભૂમિ અને વાતાવરણ સંપૂર્ણપણે વન્ય અને જંગલી છે. જીપમાં બેસીને ચારે બાજુ જોવા મળતા ઘાસનાં મેદાનો, છત્રી જેવા અંકેશિયા વૃક્ષો વગેરે અચંબો પમાડે તેવા છે. 'મસાઈ-મારા' તરીકે ઓળખાતું, પશુ-પક્ષીઓની વિશાળ વસાહત ધરાવતું સ્થળ આ જ છે. આ વિસ્તાર ૭૦૦ ચોરસ માઈલમાં પથરાયેલો છે. અહીં સિંહ, હાથી, જિરાફ, ઝિબ્રા, શાહમૃગ, ઝરખ, ગેઝેલ (એક સુંદર હરણ), શિયાળ, વોટર-હોગ, ભેંસો, હિપ્પો, ચિત્તા તેમ જ અસંખ્ય જાતના પ્રાણીઓ જોવા મળે છે. અહીં માંસભક્ષી પશુઓને નાના પશુઓનો શિકાર કરતાં જોઈ શકાય છે. અહીં બધાં જીવો પોતાનું સહજ, સ્વાભાવિક જીવન જીવતા જોવા મળે છે.
કેવી રીતે પહોંચશો?
કેન્યન સફારી જવા માટે નૈરોબી પહોંચવું પડે છે. મુંબઈથીનૈરોબીની રોજિંદી કેન્યન એર ફલાઈટ હોય છે.
કેન્યા પહોંચવા માટે ભારતીયોએ વિઝા લેવા જરૂરી છે. કેન્યા પહોંચ્યા બાદ પણ વિઝા લઈ શકાય છે.
સફારીની સફરમાં મસાઈ-મારા, લેક-નાકુસ, એબર્ડેર અથવા શળા/સાંબુરુ અને માઉન્ટ કેન્યા સફારી ક્લબનો સમાવેશ થાય છે.
Subscribe to:
Posts (Atom)