રેડ રોઝ - દેવેન્દ્ર પટેલ
ભારતના લોકો સાહસિક છે. ખાસ કરીને ગુજરાતના લોકો એથીયે વધુ સાહસિક છે. આજથી ૪૦૦ વર્ષ પહેલાં ખેડા જિલ્લાના પાટીદારો અને કચ્છના લોકો સઢવાળાં વહાણોમાં બેસીને રોજી રળવા આફ્રિકા ગયા હતા. કેટલાક ગુજરાતીઓ જાવા-સુમાત્રા અને મસ્કત ઓમાન ગયા હતા. તે પછી હજારો યુવાનો અમેરિકા જઈ સ્થાયી થયા. અમેરિકામાં ન્યૂ જર્સી સ્ટેટ ગુજરાતીઓથી છલકાય છે. લંડનમાં વેમ્બલી એક નાનકડું ગુજરાત જ છે. તે પછી રોજી રળવા હજારો ગુજરાતી યુવાનો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સ્થાયી થયા છે. યુરોપના દેશોએ બહારથી આવતા વસાહતીઓ માટે પ્રવેશનાં ધોરણો કડક બનાવ્યાં છે અને અમેરિકા પણ વિઝા પ્રક્રિયાને સખ્ત બનાવી રહ્યું છે, ત્યારે યુરોપનો એકમાત્ર દેશ જ એવો છે કે જે વેલકમનું બોર્ડ લગાવી રહ્યો છે અને તે દેશ છે જર્મની.જર્મની નામ પડતાં જ લોકોને એડોલ્ફ હિટલરની યાદ આવી જાય, પરંતુ આજનું જર્મની એ હિટલરનું જર્મની નથી. ૬૦ લાખ યહૂદીઓની કત્લ કરી નાખનાર જર્મની હિટલરના પ્રકરણને ભૂલી જવા માંગે છે. અમેરિકા અને રશિયા વચ્ચેનું શીતયુદ્ધ સમાપ્ત થઈ જતાં પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની એક થઈ ચૂક્યા છે. બર્લિનના શહેર વચ્ચેની દીવાલ તૂટી ગઈ છે. જર્મનીના લોકો મહેનતકશ છે. દુનિયાભરમાં વસ્તીનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે જર્મનીમાં વસ્તી વધી રહી છે. જર્મનીમાં કુશળ કારીગરો અને મજૂરોની તીવ્ર તંગી પેદા થઈ છે. આ કારણથી જર્મનીમાં પ્રવેશ માટેના વિઝામાં હવે ઉદાર ધોરણો અપનાવવામાં આવી રહ્યાં છે.
જર્મનીમાં તબીબોની પણ તંગી ઊભી થઈ છે. ટર્કી જેવા દેશોમાંથી ભણીને આવતા યુવાન ડોક્ટરોને તે ઝડપથી વિઝા આપે છે, શરત એટલી જ છે કે તમારે બે મહિનામાં જર્મની શીખી લેવાનું. જર્મનીમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ નહિવત્ છે. અંગ્રેજી ભાષાનો ઉપયોગ એરપોર્ટ પર, હોટેલોના રિસેપ્શન કાઉન્ટર્સ પર અને ટૂરિસ્ટ સેન્ટર્સ પૂરતો જ મર્યાદિત છે. બાકી બધો જ વ્યવહાર જર્મન ભાષામાં ચાલે છે. જર્મનીમાં વર્ષોથી લાખો ટર્કીશ લોકો રહે છે. અત્યાર સુધી જર્મન સત્તાવાળાઓ ટર્કીશ લોકો પ્રત્યે સારું વલણ દાખવતા નહોતા. હવે ડોક્ટરો અને એન્જિનિયરોની તંગી વર્તાતાં જર્મનીના શાસકોના એ વલણમાં પરિવર્તન આવ્યું છે.
કહેવાય છે કે જર્મનીમાં રહેતો દરેક પાંચમો અને સ્કૂલમાં ભણતો દર ત્રીજો વિદ્યાર્થી જર્મનીની બહારથી આવેલો વસાહતી છે. જર્મનીના વડાને ચાન્સેલર કહેવાય છે. આપણે તેને વડાપ્રધાન કહી શકીએ. જર્મનીના ચાન્સેલર તરીકે હાલ શ્રીમતી એન્જેલા માર્કેસ છે. તેઓ આખાબોલા અને રૂઢિચુસ્ત પણ છે. આગામી સપ્ટેમ્બર માસમાં જર્મનીમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે શ્રીમતી એન્જેલા માર્કેસ તેમની નીતિઓ વધુ ઉદાર બનાવવા માગતાં હોય તેમ લાગે છે.
કેટલાક દાયકાઓ અગાઉ જર્મનીમાં બેકારીનું પ્રમાણ વધુ હતું અને ઇમિગ્રેશનના કાનૂન સખત હતા. અગાઉની ચૂંટણી લડતી વખતે શ્રીમતી એન્જેલા માર્કેસની પાર્ટીનું સૂત્ર હતું, ‘children Instead of indian’ એ સૂત્ર પર જ ચૂંટણી જીત્યા હતાં. હવે ભારતીયોને નકારવાના બદલે આવકારવા પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. ભારતની શિક્ષણ પદ્ધતિની કોઈ ગમે તેટલી ટીકા કરે, પરંતુ ભારતનો વિદ્યાર્થી ખૂબ પરિશ્રમ કરે છે, ખૂબ હોશિયાર છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પણ એક વખત અમેરિકાના વિદ્યાર્થીઓને ચેતવણી આપતાં કહ્યું હતું, "ભારતના હોશિયાર વિદ્યાર્થીઓથી સાવધાન રહેજો. કહેવાનો મતલબ હતો કે ક્યાંક તમારી નોકરીઓ ભારતના હોશિયાર યુવાનો લઈ ના જાય." હવે જર્મની પણ સ્વાગતમ્નું બોર્ડ લટકાવી રહ્યું છે. ૧૯૯૦માં પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની એક થઈ ગયા બાદ તેની અસર જર્મનીના અર્થતંત્ર પર થઈ છે. એક અંદાજ પ્રમાણે ૨૦૨૫ સુધીમાં જર્મનીમાં ૫૪ લાખ જેટલા કુશળ કારીગરો, મજૂરોની તંગી ઊભી થશે. ૨૦૧૧ સુધીમાં યુરોપિય યુનિયનમાંથી ત્રણ લાખ લોકો જર્મનીમાં સ્થળાંતર કરીને આવ્યા છે. ખાસ કરીને પોલેન્ડ જેવા દેશોમાંથી સૌથી વધુ વસાહતીઓ જર્મનીમાં આવ્યા છે. જર્મની પણ તેની સૌથી ખરાબ અમલદારશાહી માટે જાણીતો દેશ રહ્યો છે. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની સાવ ખતમ થઈ ગયું હતું ત્યારે તેને ફરી ઊભું કરવા હજારો કામદારો અને કારીગરો ઇટાલી, ગ્રીસ અને ટર્કી જેવા દેશોમાંથી જર્મીનીમાં આવ્યા હતા, પરંતુ જર્મન અમલદારોએ તેમને ના તો જર્મન ભાષા શીખવામાં મદદ કરી કે ના તો તેમને જર્મનીના એક હિસ્સા તરીકે સ્વીકાર્યા. આમ છતાં મોટાભાગના વસાહતીઓએ આપમેળે બધું શીખી લીધું.
એવી રીતે ૧૯૭૦માં ઓઇલ ક્રાઇસીસ વખતે બેકારી વધવાના ડરથી જર્મનીએ બહારથી આવતા વસાહતીઓ અને મહેમાનો માટે પણ પ્રવેશબંધી ફરમાવી દીધી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. ૨૦૦૦ની સાલથી જર્મનીનું જોબ માર્કેટ સુધર્યું છે. કારીગરો અને લેબરની તંગી ઊભી થવા માંડી. પરિણામે ચીનથી હેલ્પવર્કર્સ લાવવા પડયા. ફિલિપાઇન્સથી પણ હેલ્પવર્કર્સ લાવવા પડયા. તેમાં નર્સો અને પેરા મેડિકલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ મહિનાથી જ જર્મનીએ તેના ઇમિગ્રેશન કાનૂનમાં ૪૦ ટકા જેટલી છૂટછાટો આપી છે. મધ્યમ કુશળ કારીગરો માટેના પ્રતિબંધો હળવા કર્યા છે. જર્મનીમાં આજે ટ્રેન ચલાવનાર ડ્રાઇવરો અને ઇલેક્ટ્રિશિયનોની સખત તંગી છે. એમાંયે ડોક્ટરો અને એન્જિનિયરો જેવા અતિ કુશળ લોકો માટે જર્મનીએ તેના ઇમિગ્રેશન કાનૂન સૌથી વધુ ઉદાર બનાવ્યા છે.
જર્મનીમાં બધો જ વ્યવહાર જર્મન ભાષામાં ચાલતો હોઈ ડોક્ટરો કે એન્જિનિયરોએ પણ જર્મની શીખવું જરૂરી છે. આ કારણસર જર્મનીએ બીજા દેશોમાં પણ જર્મન ભાષા શીખવાના અભ્યાસક્રમો શરૂ કર્યા છે. હા, જર્મન ભાષા આવડતી ના હોય તો ડોક્ટરે પણ ત્યાં ટેક્સી ડ્રાઇવર તરીકે જ કામ કરવું પડે. જર્મનીની યુનિર્વસિટીઓમાં ભણીને ત્યાં જ નોકરી મેળવવી એ વધુ સુવિધાજનક છે. સ્પેનથી આવેલો હોટેલ કર્મચારી કહે છે કે સ્પેન કરતાં જર્મનીમાં નોકરી મેળવવી સરળ છે. જર્મનીમાં વસાહતીઓની સંખ્યા વધતાં ૨૦૧૧માં પહેલી જ વાર જર્મનીમાં વસ્તી વધારો દેખાય છે.
એ વાત સાચી છે કે બિન યુરોપિયન દેશોમાંથી આવતા લોકોને જર્મન પ્રજાએ આજ સુધી જર્મન તરીકે સ્વીકાર્યા નથી, પછી ભલે તે વર્ષોથી રહેતા હોય. એ જ રીતે જર્મનીની સ્કૂલોમાં પણ જર્મન સ્કૂલ ટીચર્સ બિન જર્મન વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ રાખતા આવ્યા છે. જર્મન સત્તાવાળાઓ આજ સુધી બહારથી આવતા વસાહતીઓને સરકારી કચેરીઓમાં, પોલીસમાં અને મીડિયામાં નોકરીઓ આપતા નથી. વસાહતીઓને ગંદામાં ગંદા સ્થળે રહેવાની ફરજ પડે છે.
રહેઠાણોની બાબતમાં પણ અસલી જર્મનો બિન જર્મનો સાથે ભેદભાવ રાખતા આવ્યા છે. આ પણ જર્મનીની એક કડવી વાસ્તવિકતા છે. ત્યારે નવા વસાહતીઓને આમંત્રણ આપવાનું જર્મનીનું વલણ કેટલું વાસ્તવિક અને સામાજિક રીતે ન્યાયપ્રિય છે તે આવનારો સમય કહેશે.
આ પરિપ્રેક્ષ્યમાં જર્મની તેની કારીગરો, મજૂરો અને ડોક્ટરો કે એન્જિનિયરોની તંગી પૂરી કરવા તેના પ્રવેશદ્વાર ખોલી રહ્યું છે. ત્યારે જર્મનીનાં ચાન્સેલર શ્રીમતી એન્જેલા માર્કેસે તેમના રૂઢિચુસ્ત સાથીઓને મનાવવા ભારે પરિશ્રમ કરવો પડશે. દેખાય છે તેટલું આસાન નથી. અગાઉના ચાન્સેલર ગેર્હાર્ડ શ્રોએડરે વસાહતીઓને જર્મન નાગરિકો બનાવવાની શરૂઆત કરી હતી, પરંતુ જર્મનીમાં રહેતો એક મોટો રૂઢિચુસ્ત વર્ગ તેનો વિરોધ પણ કરતો હતો. આ સંજોગોમાં જર્મની જવા માગતા ભારતીયોએ સાવધાનીપૂર્વક તેના પ્લસ અને માઇનસ પોઇન્ટ વિચારીને જ આગળ વધવું.
No comments:
Post a Comment