Sunday, July 15, 2012

ભારતના આ સુંદર સ્થળોનો થયો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ


નવી દિલ્હી, તા. ૨
યુનેસ્કોએ ભારતના ૧,૬૦૦ કિલોમીટર લાંબા પશ્ચિમઘાટને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. રશિયાના સેંટ પિટર્સબર્ગ શહેરમાં યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. યુનેસ્કોએ જણાવ્યું હતું કે અહીં વનસ્પતિ અને જીવોની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. આ પર્વતમાળા ભારતનાં ચોમાસાને પણ અસર કરે છે.
ભારતના પશ્ચિમઘાટનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ
ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદથી શરૂ થતી પર્વતમાળા મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક,તામિલનાડુ અને કેરળથી પસાર થઈને તે અંતે કન્યાકુમારીમાં પૂર્ણ થાય છે. ભારત સરકાર અને કેટલાક સંરક્ષણવાદીઓનાં અભિયાન બાદ પશ્ચિમઘાટને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા પણ પશ્ચિમઘાટને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવા માટે ભલામણ કરવામાં આવી હતી.
પશ્ચિમઘાટની વિવિધતા
  • હિમાલીય પર્વતમાળાથી પણ જૂની પર્વતમાળા
  • પશ્ચિમઘાટની ઇકોસિસ્ટમ ભારતમાં ચોમાસા પર અસર કરે છે
  • ૧,૬૦૦ કિ.મી. લાંબી, ૧૦૦ કિ.મી. પહોળી પર્વતમાળા
  • ૧,૬૦,૦૦૦ વર્ગ કિ.મી.ના વિસ્તારમાં ઘાટ પથરાયેલો છે
  • ભારતની ત્રણ મોટી નદીઓ ગોદાવરી, કાવેરી અને ક્રિષ્ના પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે
  • ઊંચું શિખર અનામુડી (૨,૬૯૫ મીટર)અને નીચું શિખર પાલક્કડ ગેપ (૩૦૦ મીટર)
વર્લ્ડ હેરિટેજની અન્ય સાઈટો
  • બેલ્જિયમની મોટી માઇનિંગ સાઇટ વાલોનિયા
  • સ્વિડનના હાલસિંગહલેન્ડનું
  • ડેકોરેટેડ ફાર્મહાઉસ
  • જર્મનીનું એક ઓપેરાહાઉસ
  • ચાડનું ઓઉનિઆંગા ઝીલ
  • પોર્ટુગલનાં શહેર એલ્વસ અને તેની કિલ્લેબંધી

પિરામિડ અને મમીનો પ્રાચીન દેશ ઈજિપ્ત (વિવિધ સંસ્કૃતિ)



વિવિધ સંસ્કૃતિ - હસમુખ ગજ્જર
સત્તાવાર નામ      : આરબ રિપબ્લિક ઓફ ઈજિપ્ત
સ્થાન                 : ઉત્તર આફ્રિકા
રાજધાની            : કેરો
વસ્તી                : ૮,૩૬,૮૮,૧૬૪
કુલ વિસ્તાર         : ૧૦,૦૧,૪૫૦ ચો. કિમી.
સત્તાવાર ભાષા     : અરબી
ધર્મ                   : ઇસ્લામ
મોટાં શહેરો          : એલેકઝાંડ્રીયા, ગિઝા, સુએઝ, લુકસર, સુબ્રા એ ખેરિમા
માનવ સંસ્કૃતિની અતિ પ્રાચીન ગણાતી મિસર સભ્યતાનું પારણું ઈજિપ્તમાં ઝૂલ્યું હતું એટલે આ દેશ મિસ્ર તરીકે પણ જાણીતો છે. ઉત્તર આફ્રિકામાં આવેલા આ દેશની ઉત્તરમાં ભૂમધ્ય સાગર, ઉત્તરપૂર્વ દિશામાં બહુચર્ચિત ગાજાપટ્ટી અને ઇઝરાયેલ દેશ, પૂર્વ દિશામાં રાતો સમુદ્ર, પશ્ચિમમાં લીબિયા અને દક્ષિણ દિશામાં સુદાન દેશ આવેલો છે. દુનિયાની સૌથી લાંબી નાઇલ નદી ઇજિપ્તની જીવાદોરી સમાન છે. દેશનો મોટો ભાગ નાઇલના ૪૦ હજાર સ્કવેર કિમીના ડેલ્ટા વિસ્તારમાં જ વિકસ્યો છે.
બાકીના મોટા ભાગના વિસ્તારમાં બળબળતો રણપ્રદેશ હોવાથી માનવ વસાહત સાવ પાંખી છે. ઇજિપ્તની ૫૦ ટકા વસતી કેરો અને એલેકઝાંડ્રીયા જેવાં મોટાં શહેરોમાં આવીને વસી હોવાથી ગ્રામીણ સંસ્કૃતિ ઓછી છે. પ્રાચીન પિરામિડો વિશ્વભરના પ્રવાસીઓને ત્યાં આકર્ષે છે. આ દેશ રાજકીય અરાજકતાના કારણે અત્યારે ચર્ચામાં છે.
ઇતિહાસ
પ્રાચીન ઇજિપ્તની પ્રજાએ ભારતની જેમ જ સાંસ્કૃતિક, રાજકીય હુમલાઓ સહન કર્યા હોવાથી દેશનો ઇતિહાસ ઘણો જ રસપ્રદ છે. ઇસુના જન્મનાં ૧૦ હજાર વર્ષ પૂર્વે નાઇલ નદીના ફળદ્રુપ કાંપનાં મેદાનોમાં માનવ સમુદાયે સૌ પ્રથમ વસવાટ કર્યો હતો. નદીના ફળદ્રુપ મેદાની પ્રદેશમાં સારી આબોહવા અને ખેતી હોવાથી મિસર નામની સભ્યતા પાંગરવાનો આરંભ થયો. મિસર સભ્યતા કળા, વિજ્ઞાન, ગણિત તથા ઇજનેરી જેવા કૌશલ્યમાં નિપુણ હતી. મિસર સંસ્કૃતિમાં રાજાને ફેરો કે ફેરોહ કહેવામાં આવતો. આ ફેરોહને મિસર દેવતા હોરસનો જ અવતાર માનવામાં આવતો. રોમન સામ્રાજ્યે ઈ.સ પૂર્વે ૩૧મા આક્રમણ કર્યું ને ફેરોહ શાસનનો અંત આવ્યો.
અતિ ચર્ચિત ક્લિઓપેટ્રા નામની રાણી મિસરની છેલ્લી ફેરોહ હતી. થિઓડોસિસ નામના રોમન રાજાએ એક વિધેયક પસાર કરીને મિસરોની મુર્તિ પૂજા બંધ કરાવી દીધી. મિસરોનો પ્રતિકાર નબળો પડવાથી અહીં રોમન સંસ્કૃતિ ફેલાવા માંડી.
૭મી સદીમાં બાયઝાન્ટિન નામના રોમન શાસકને હરાવીને ઇસ્લામે આગમન કર્યું. ઇસ્લામના ખલીફાઓ દ્વારા નિમવામાં આવતા શાસકોએ ૬ સદી સુધી ઇજિપ્ત પર શાસન કર્યું. આરબોમાં વધી રહેલી ખટપટના ભાગરૂપે ૧૩મી સદીમાં તુર્કોએ તેમનો પ્રભાવ વધારવા માંડયો. ઈ.સ.૧૫૧૭ ઓટોમન તુર્કોએ ઈજિપ્તને પોતાના રાજમાં ભેળવી દીધું. એકાદ સદી પછી પોર્ટુગીઝોએ ઇજિપ્તની ધરતી પર પગ મૂક્યો. ઈ.સ. ૧૭૯૮માં ફ્રાંસના નેપોલિયને ચડાઈ કરી. ૧૮૦૫માં અલેબેનિયન રેજિમેન્ટના મુખ્ય કમાન્ડર મુહમ્મદ અલીએ ઇજિપ્ત પર રાજ કરવાનું શરૂ કર્યું. ૧૮૮૨માં બ્રિટિશ આર્મીએ ઈજિપ્ત પર કબજો મેળવી લીધો, પરંતુ મુહમ્મદ અલીના વંશજોએ અંગ્રેજોની કઠપૂતળી બનીને ૧૯૫૨ સુધી રાજ હાંકે રાખ્યું.
૧૮ જૂન, ૧૯૫૩ના રોજ જનરલ મોહમ્મદ નાગુબ સ્વતંત્ર ઈજિપ્તના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. ૧૯૫૪માં ગમાલ અબ્દેલ નાસિરે સત્તા આંચકીને પોતાને ઈજિપ્તના કર્ણધાર બનાવી દીધા.૧૯૪૮માં ઇઝરાયલનો જન્મ થતાં ઈજિપ્ત કટ્ટર આરબ દેશ તરીકે વર્તન કરવા માંડયું. આરબ ઇઝરાયલના યુદ્ધમાં ઇજિપ્તે સિનાઈ અને ગાઝાપટ્ટીના વિસ્તારો તો જીતી લીધા, પરંતુ ઇઝરાયલે ૧૯૬૭માં પલટવાર કરીને ઈજિપ્ત પાસેથી પડાવી પણ લીધા. આ ઘટનાનાં ત્રણ વર્ષ પછી પ્રેસિડેન્ટ નાસિરનું અવસાન થતા નવા પ્રેસિડેન્ટ અનવર સદાતે ૧૯૭૭માં ઈઝરાયેલની ઐતિહાસિક મુલાકાત લીધી એનાથી નારાજ થયેલા આરબ જગતે ઈજિપ્તને નાતબહાર મૂક્યું.૧૯૮૧થી રાજ કરતા હોસની મુબારકને હટાવ્યા પછી દેશમાં સત્તાની બાગડોર સંભાળ્યા બાદ હાલમાં દેશ નેતૃત્વ અને વ્યવસ્થા પરિવર્તનના સંક્રમણકાળમાંથી પસાર થઈ રહ્યો છે.
અર્થતંત્ર
પેટ્રોલિયમ, કુદરતી ગેસ, લોખંડ, ફોસ્ફેટ, લાઇમ સ્ટોન, જિપ્સમ અહીં ભૂતળમાંથી સારા એવા પ્રમાણમાં મળે છે. નાઇલના સિંચાઈ વિસ્તારમાં કપાસ,ચોખા અને મકાઈ પુષ્કળ પાકે છે. રૂઢિચુસ્ત ગણાતું ઇજિપ્તનું અર્થતંત્ર આર્થિક સુધારણા અને વિદેશી મૂડીરોકાણ પછી ઘણું બદલાયું છે. જોકે બે ટકાના દરે વધી રહેલો પ્રચંડ વસ્તીવધારો આ દેશની સૌથી મોટી સમસ્યા છે. બેકારીની સમસ્યા પણ દેશને સતાવે છે. ૨૦ ટકાથી પણ વધુ લોકો ગરીબીરેખાની નીચે જીવે છે. ફુગાવાનો દર ૧૩.૩ ટકા કરતાં પણ ઊંચો છે.
ભાવવધારો બેકાબૂ બન્યો છે. રાજકીય પરિસ્થિતિ ડામાડોળ થવાથી ટૂરિસ્ટ, મેન્યુફેક્ચરિંગ અને બાંધકામ ક્ષેત્રોને ખૂબ જ ફટકો પડયો છે.
લોકજીવન
ઈજિપ્તના ૯૦ ટકા લોકોનો ધર્મ ઇસ્લામ હોવાથી ઇસ્લામિક સભ્યતા મુજબની વર્તણૂક જોવા મળે છે. તેમ છતાં લોકજીવન પર આફ્રિકન દેશો, યુરોપ અને મધ્ય પૂર્વના દેશોની પણ અસર જણાય છે. મોડર્ન વેસ્ટર્ન કલ્ચરની છાંટનાં મૂળિયાં તેના પ્રાચીન ઇતિહાસમાં પડયાં છે. સાહિત્ય પર અરબી ભાષાનો પ્રભાવ વધુ છે, પરંતુ નવી પેઢી આફ્રિકન અને વેસ્ટર્ન સંગીતથી અંજાયેલી છે. અહીં ઇજિપ્તિશિયન પોપ મ્યૂઝિક ધૂમ મચાવે છે. પાટનગર કેરો રાજકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર છે. કેરો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જાણીતો છે. હોલિવૂડની ફિલ્મોથી લોકો પરિચિત છે.
નમાઝ પાંચ વખત અદા કરવી ફરજિયાત હોવાથી સમાચારપત્રોમાં નમાઝનું સમયપત્રક પણ છપાય છે. શુક્રવારે આખો દેશ રજા પાળે છે. વીકએન્ડ તરીકે ગુરુવારનું પણ ઘણું જ મહત્ત્વ છે. રમજાન માસમાં લોકો ફરજિયાતપણે રોજા રાખે છે. સરેરાશ નાગરિક સામાજિક સંબંધો અને કુટુંબને સૌથી વધુ મહત્ત્વનું ગણે છે. લોકો એકબીજાના ઘરે જાય ત્યારે સારી ગુણવત્તાવાળી ચોકલેટ, પેસ્ટ્રી તથા ગળપણ આઇટમથી સ્વાગત કરવામાં આવે છે.
ખાણીપીણી
ઈજિપ્તનું રાષ્ટ્રીય પીણું ચા છે. જોકે કાળી અને ગળી ચામાં દૂધ ઉમેરવામાં આવતું નથી. રોજિંદા ભોજનમાં બ્રેડનું ચલણ સર્વસામાન્ય છે. માછલી ખાવાની હોય, મરઘાનું માંસ ખાવાનું હોય કે પછી શાકભાજી ખાવાના હોય બ્રેડ તેની સાથે અચૂકપણ આરોગાય છે. પ્રોટીનનો ભંડાર ગણાતાં કઠોળને બાફીને, શેકીને, તળીને કે તેનું શાક બનાવીને ખાવામાં આવે છે. સંતરાં, તરબૂચ, દ્રાક્ષ વગેરે ફળોનો લોકો છૂટથી ઉપયોગ કરે છે. માછલીઓમાંથી બનતી મજેદાર વાનગીઓનો તો તોટો જ નથી. ડાંગર સારા એવા પ્રમાણમાં પાકતી હોવાથી માંસ ભાતનો ખોરાક પણ સાવ સહજ છે. બ્રેડમાંથી બનતી ઇજિપ્શિયન સેન્ડવીચ જાણીતી છે.
પિરામિડ : ઇજિપ્તની આગવી ઓળખ
ઇજિપ્તની ઓળખ આજે પણ પ્રાચીન કલાત્મક ઇજનેરી વિદ્યાના નમૂના સમાન પ્રાચીન પિરામિડો અને મમીઓના (મસાલા ભરીને શબ રાખવાની કળા)દેશ તરીકેની રહી છે. મિસર સંસ્કૃતિમાં રાજા ફેરોહના સ્મારક સ્થળ ગણાતા પિરામિડોમાં રાજાનાં શબોને દફનાવીને સુરક્ષિત રાખવામાં આવ્યાં છે. આ શબોને મમી કહેવામાં આવે છે. ઇજિ

Monday, July 9, 2012

આફતને પડકારનારો પરાક્રમી દેશ ઇઝરાયેલ (વિવિધ સંસ્કૃતિ)


Jul 07, 2012

વિવિધ સંસ્કૃતિ - હસમુખ ગજ્જર
સત્તાવાર નામ સ્ટેટ ઓફ ઇઝરાયેલ
સ્થાન દક્ષિણ પશ્ચિમ એશિયા
રાજધાની જેરૂસલેમ
વસ્તી ૭૮,૭૯,૫૦૦
કુલ વિસ્તાર ૨૧,૦૦૦ ચો.કિમી.
સત્તાવાર ભાષા હિબ્રુ
ધર્મ યહૂદી
મોટાં શહેરો તેલઅવિવ, હાઇફા, નાઝરેથ, રામલા, ગાજાઈ
ઇઝરાયેલ એક સાહસિક અને પ્રગતિશીલ દેશ છે. તેની ઉત્તરમાં લેબેનોન, પૂર્વમાં સિરિયા અને જોર્ડન તથા દક્ષિણ પશ્ચિમમાં ઇજિપ્ત દેશ આવેલો છે. આ દેશે વિપરીત સમય સંજોગો વચ્ચે અનેક પડકારો ઝીલી લઈને કરેલો વિકાસ ઊડીને આંખે વળગે છે. કૃષિઉદ્યોગ, વિજ્ઞાન, ટેક્નોલોજી, સંરક્ષણ, કોમ્યુનિકેશન, આઈટી, પર્યાવરણ તથા મેનેજમેન્ટના વગેરે વિષયોમાં તેની સફળતાનાં અઢળક ઉદાહરણો આપવામાં આવે છે.
ઇતિહાસ
ઇઝરાયેલના યહૂદીઓનો ૪૦૦૦ વર્ષનો ઇતિહાસ મોટેભાગે યાતનાઓ અને કષ્ટોથી ભરેલો છે. યહૂદીઓની ઉત્પત્તિ અને વિકાસ અંગે તેમના ધર્મગ્રંથ અહદનામામાં વિસ્તારથી વર્ણન છે. ઈસુ ખ્રિસ્તના જન્મનાં ૨૦૦૦ વર્ષ પહેલાં અબ્રાહમ (ઇસ્લામમાં ઇબ્રાહિમ)ના દીકરા ઇસ્સાક અને ઇસ્સાકના દીકરા યાકુબે યહૂદીઓને સંરક્ષણ આપ્યું હતું. યાકુબે યહૂદીઓના ૧૨ જાતિ સમૂહોને ભેગા કરીને એક રાજ્ય બનાવ્યું, જે ઇઝરાયેલના નામથી ઓળખાયું. યાકુબના પુત્ર યહૂદાના નામ પરથી તેના વંશજો યહૂદીઓ તરીકે ઓળખાવા લાગ્યા. ત્યારબાદ હઝરત મુસાએ યહૂદીઓને સદાચારના દસ નિયમો તથા નિરેશ્વરવાદનો ઉપદેશ આપ્યો. કાળક્રમે દાઉદનો પુત્ર સુલેમાન (સોલોમન) ઇઝરાયેલની ગાદી પર આવતા યહૂદીઓની પ્રગતિનાં દ્વાર ખૂલી ગયાં. સોલોમને અરબ, એશિયા, યુરોપ, આફ્રિકા અને ભારત સાથે સંબંધો જોડયા હતા. ઈ.સ. પૂર્વે ૯૩૭માં સોલોમનનું મૃત્યુ થતાં ઇઝરાયેલના માથે પનોતી બેઠી. ૧૦૦ વર્ષ સુધી અરાજકતા ચાલી, જેમાં યહૂદીઓ અંદરોઅંદર લડતા રહ્યા. આનો લાભ ઉઠાવીને અસુરિયાઓએ પોતાનું શાસન સ્થાપ્યું, જેને ખલ્દિયોએ છીનવી લીધું. ઈ.સ. પૂર્વે ૫૫૦માં ઈરાનના ઉદાર અને ન્યાયપ્રિય હમખાની રાજવંશે જેરૂસલેમમાં યહૂદી ધર્મસ્થળનો જીણોદ્ધાર કરાવ્યો, જે એકમાત્ર ખુશ થવા જેવી ક્ષણ રહી. ઈ.સ. પૂર્વે ૧૯૮માં યુનાની રાજા અંતિઓક્સ ચોથાએ યહૂદી ધર્મનું પાલન ગુનો ગણીને તેના પર પ્રતિબંધ ફરમાવ્યો. સાયમન નામના એક શક્તિશાળી યહૂદી સેનાપતિએ સાહસ કરીને યુનાનીઓને ઇઝરાયેલમાંથી તગેડી મૂક્યા. ઈ.સ. પૂર્વે ૧૩૫માં રોમન સમ્રાટ ડાદ્રિયને જેરૂસલેમ શહેરને ખોદીને રોમનગર ઊભું કર્યું. આ નવા રોમનગરના ઝાંપા પર યહૂદીઓના પ્રવેશની મનાઈનું બોર્ડ વાંચીને યહૂદીઓ વિલા મોઢે પાછા ફરતા હતા. આ ઘટનાનાં ૨૦૦ વર્ષ પછી રોમનના પ્રથમ ઇસાઈ સમ્રાટ કોસ્તાંતીએ ફરી જેરૂસલેમ નામ પાડીને ભૂલ સુધારી હતી. રોમનોને ઈ.સ. ૬ઠ્ઠી સદીમાં અરબોના ખલીફા ઉમરે હરાવી દેતા ઇઝરાયેલમાં ઇસ્લામનું આગમન થયું. ખુદાના બંદા ખલીફા ઉમરે જેરૂસલેમમાં યહૂદીઓના ધર્મસ્થળનો કચરો જાતે સાફ કરીને યહૂદીઓને સોંપ્યું. ઇઝરાયેલ અને જેરૂસલેમ અરબોએ ઈ.સ. ૧૦૯૯ સુધી રાજ કર્યું. ત્યારબાદ ખ્રિસ્તીધર્મીના જોનિસારોએ સાડા પાંચ લાખના વિશાળ સૈન્ય વડે ઇઝરાયેલ પર હુમલો કરીને ૮૦ વર્ષ સુધી શાસન કર્યું. ઈ.સ. ૧૧૪૭થી ઈ.સ. ૧૨૦૪ દરમિયાન ખ્રિસ્તીઓ અને ઇસ્લામીઓ વચ્ચે ઇતિહાસમાં ક્રુસેડ તરીકે જાણીતા બનેલાં ચાર ધર્મયુદ્ધો થયાં, જેમાં અરબોએ મચક આપી નહીં.૧૩મી અને ૧૪મી સદીમાં હુલાકુ અને તૈમુરલંગે જેરૂસલેમ પર આક્રમણ કર્યું હતું. છેક ૧૯મી સદી સુધી ઇઝરાયેલ ક્યારેક ઇજિપ્ત તો ક્યારેક તુર્કીના કબ્જામાં રહ્યું.
આધુનિક ઇઝરાયેલનો ઉદય
૧૯૧૭માં બ્રિટિશ સેનાએ ઇઝરાયેલ દેશનો કબજો લીધા પછી બ્રિટિશ વિદેશમંત્રીએ બાસકોટે યહૂદીઓનો ધર્મદેશ હોવાનું જાહેર કર્યું. ૧૯૩૯થી ૪૫ દરમિયાન થયેલા બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓએ ખૂબ સહન કરવું પડેલું. છેવટે ૧૯૪૮માં ઇઝરાયેલ નામનો સ્વતંત્ર દેશ દુનિયાના અસ્તિત્વમાં આવ્યો. ઇઝરાયેલે વિશ્વમાં ક્યાંય પણ રહેતા યહૂદીઓને ઇઝરાયેલમાં વસવાટ કરવાનું નિમંત્રણ આપ્યું. ઇઝરાયેલનો ઉદય થતાં જ આરબ દેશોના પેટમાં તેલ રેડાયું. આરબો અને ઇઝરાયેલ વચ્ચે થતાં રહેલાં યુદ્ધોની કથા તાજી અને જાણીતી છે. ઇઝરાયેલને પોતાના પાડોશી દેશો સાથે આજે પણ સીમા વિવાદ ચાલે છે.
અર્થતંત્ર
ઇઝરાયેલમાં ઇલેક્ટ્રોનિક્સ, ટેલિ કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બાયોટેક, ટૂરિઝમ, બાંધકામ, હીરાઉદ્યોગ અને એગ્રિકલ્ચર તેના મુખ્ય ક્ષેત્રો છે. કટ ડાયમંડ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને ખેતીની પેદાશોની તે નિકાસ કરે છે. સકળ ઘરેલુ ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો ૨.૫ ટકા જેટલો છે. તેના મુખ્ય વેપારમાં ભાગીદાર દેશોમાં અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશોનો સમાવેશ થાય છે. પ્રવાસ ઉદ્યોગ પણ સારા એવા પ્રમાણમાં વિકસ્યો છે. પ્રાચીન પવિત્ર જેરૂસલેમ શહેરની વર્ષે ૩.૫ મિલિયન કરતાં પણ વધુ લોકો મુલાકાત લે છે. ઇઝરાયેલના અર્થતંત્રનો વિકાસ ૨૦૧૧માં ૪.૭ ટકા રહ્યો હતો.
સામાજિક -ધાર્મિક જીવન
યહૂદીઓનું જીવન પરંપરા અને આધુનિકતાના સંગમ જેવું છે. ટેલિવિઝન અને રેડિયો અહીંનાં લોકપ્રિય માધ્યમો છે. અહીં શનિવાર રજાનો દિવસ છે. મહિલાઓ ઘરમાં જાતજાતની ડિઝાઇનવાળાં સ્ટેન્ડ પર મીણબત્તીઓ પ્રગટાવીને ડિનર ટેબલ પાસે મૂકે છે. શનિવારની સાંજે ભોજન પહેલાં મદિરા પીવાનું ચલણ છે. તેના માટે ખાસ પ્રકારના કાચના ગ્લાસનો ઉપયોગ થાય છે. સુખી ઘરમાં આ કપ સોના, ચાંદીના પણ હોય છે. મોટાભાગના લોકો રજાનો દિવસ ઘરે પરિવાર સાથે ગાળે છે. વડીલો તથા શ્રદ્ધાળુઓ સિનેગોગ્સ (ધર્મસ્થળ)માં જઈને ભક્તિ કરે છે. રોશ હશાના તથા યોમકિપૂર યહૂદીઓના મહત્ત્વના તહેવારો છે. યોમકિપૂર તહેવારમાં યહૂદીઓ પાપ ધોવાઈ જાય તે માટે ઉપવાસ રાખે છે. આ તહેવારનું એટલું મહત્ત્વ છે કે તે દિવસે ટીવી તથા રેડિયો પર પ્રસારણ થતું નથી. મનોરંજનનાં તમામ સ્થળો બંધ રહે છે. લોકો વીજળીનો પણ ઉપયોગ કરતા નથી. બાઇબલના આદેશ મુજબ યહૂદીઓ ઘરના બારણાની ઉપર તેમજ દરવાજા પર શદાઈ શબ્દ લખેલું મજૂજા નામનું એક લંબચોરસ ચર્મપત્ર રાખે છે, જેનો અર્થ ઇઝરાયેલના દરવાજાનો રક્ષક એમ થાય છે. યહૂદીઓ પોતાના ગળામાં પણ આ મજૂજા પહેરતા હોય છે. સમૂહમાં રહેતી કિબુત્ઝ કોમ્યુનિટી પણ વિશિષ્ટ ઓળખ ધરાવે છે.
ખાણીપીણી
ઇઝરાયેલીઓ અલગ અલગ દેશમાંથી આવીને વસ્યા હોવાથી તેમની ખાણીપીણી ખૂબ જ વિવિધતા ભરેલી છે. પિટાબ્રેડ, ચિક પી પેટીઝ, ટામેટાંમાંથી બનતી શક્ષુકા, તાહિની ચટણી, ખામુસ વગેરે ઇઝરાયેલનાં સામાન્ય વ્યંજનો છે. ઇઝરાયેલી સલાડ જેમાં ગાજર અવશ્યપણે હોય છે. ઓલિવ ઓઇલનો છૂટથી ઉપયોગ કરે છે. લેમન જ્યૂસ તથા તેની વેરાયટીઓ પણ મળે છે. કબાબ, પેસ્ટ્રી, ચીકન સૂપ, હનીકેક વગેરેનો ઉપયોગ રોજિંદો છે. ઈંડાં, ચીઝ તથા ફળફળાદી નાસ્તામાં હોય છે. પિટાબ્રેડ ઇઝરાયેલની રાષ્ટ્રીય બ્રેડ છે. ફ્રૂટ શેક, મિન્ટ ટી, કોફી તથા ડેઝર્ટ ફૂડની પણ ઘણી વેરાયટીઓ મળે છે.

Tuesday, June 26, 2012

મહારાષ્ટ્રનું એવરગ્રીન ખંડાલા


May 25, 2012

ચાલો ફરવા
ભા રતનાં વિવિધ હિલ સ્ટેશનો પૈકી ખંડાલા એવું ફરવાલાયક સ્થળ છે જે વર્ષ દરમિયાન પ્રવાસીઓનું પ્રિય સ્થળ બની રહે છે. મહારાષ્ટ્રમાં આવેલું ખંડાલા કુદરતી સૌંદર્યથી છલકાતું પ્રવાસન સ્થળ છે.
૬૨૫ મીટરની ઊંચાઈએ આવેલા ખંડાલામાં પ્રવેશતા જ હરિયાળા વાતાવરણનો અનુભવ થાય છે. નજર સામે રહેલું લીલુંછમ દૃશ્ય આંખને ઠંડક આપે છે.
સહ્યાદ્રી માઉન્ટેન રેન્જમાં આવેલા ખંડાલામાં પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. ખંડાલા મુંબઈથી ૧૦૧ કિલોમીટરની દૂરી પર આવેલું છે જ્યારે પૂણેથી ૬૯ કિલોમીટરનું અંતર છે.
લોનાવાલા પણ લોકપ્રિય સ્થળ છે અને તે ખંડાલાથી માત્ર ૫ કિલોમીટર જ હોવાથી આ તરફ આવતા સહેલાણીઓ એક સાથે આ બંનેનો પ્રવાસ ખેડી લે છે.
ઉનાળાનો સમયગાળો ખંડાલા જવા માટે સૌથી શ્રેષ્ઠ છે, કેમ કે જુલાઈ માસ સુધી અહીંનું વાતાવરણ એકદમ સામાન્ય હોય છે જ્યારે ચોમાસામાં ક્યારેક ભારે વરસાદ પડતો હોવાથી સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓની ભીડ ઓછી જોવા મળે છે.
ખંડાલાનો ઇતિહાસ મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલો હોવાનું મનાય છે. આ સ્થળ પર એક સમયે શિવાજીની આણ પ્રવર્તતી હતી. ઊંડી ખીણો, વિશાળ તળાવ, ઐતિહાસિક કિલ્લો અને સુંદર ધોધ ખંડાલા ભણી સહેલાણીઓને આકર્ષે છે.   

Sunday, April 22, 2012