Jul 28, 2012
વિવિધ સંસ્કૃતિ - હસમુખ ગજ્જર
સત્તાવાર નામ |
રિપબ્લિક ઓફ ફિલિપાઇન્સ |
રાજધાની |
મનીલા |
વસ્તી |
૯,૨૬,૮૧,૪૫૩ |
કુલ વિસ્તાર |
૨,૯૯,૪૦૪ ચો. કિમી. |
સત્તાવાર ભાષા |
ફિલિપીનો, અંગ્રેજી |
ધર્મ |
ખ્રિસ્તી |
મોટાં શહેરો |
કયુઝોન સિટી, દાવો સિટી, કેબુ સિટી, કાલુકેન, એન્ટિ પોલ |
ઇતિહાસ
ઈ.સ. ૧૬મી સદીમાં સામ્રાજ્યવાદના જમાનામાં ફિલિપાઇન્સ સ્પેનના તાબામાં હતું. ૧૮૯૮માં સ્પેન અને અમેરિકા વચ્ચે થયેલા યુદ્વમાં સ્પેનનો પરાજય થતાં અમેરિકાનું શાસન આવ્યું. અમેરિકાએ ૧૯૩૫માં ફિલિપાઇન્સને સ્વાયત્ત શાસન આપવા મેનુઅલ કયુઝનને પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. મેનુઅલે દેશને ક્રમશઃ આઝાદ કરાવવાની કામગીરીમાં વ્યસ્ત હતા ત્યાં જ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું .૧૯૪૨માં જાપાનનું લશ્કર ફિલિપાઇન્સના પાદરમાં પહોંચી ગયું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થતાં ૪ જુલાઈ, ૧૯૪૬ના રોજ સ્વતંત્ર દેશ ફિલિપાઇન્સનો દુનિયાના નકશા પર જન્મ થયો. ફર્નાન્ડોઝ માર્કોસના લાંબા શાસનનો ૧૯૮૬માં અંત આવ્યો. દેશમાં પીપલ પાવર મૂવમેન્ટ (લોક અધિકાર ચળવળ) શરૂ થઈ અને સ્થિર શાસનમાં દેશની આર્થિક પ્રગતિ થઈ. ૨૦૦૧માં ફરી પાછી લોકચળવળે જોર પકડયું. મે ૨૦૦૪માં મકાપગલ અરાયો ૬ વર્ષ માટે દેશના શાસક બન્યા. હાલમાં રાષ્ટ્રપતિ બેનિગનો એકવિનો દેશની બાગડોર સંભાળી રહ્યા છે.
અર્થતંત્ર
ફિલિપાઇન્સને વાવાઝોડાં, પૂર, ધરતીકંપ જેવી નૈર્સિગક આફતો ઘણું નુકસાન કરે છે. ઔદ્યોગિક ઉત્પાદન વિકાસ ૨૦૧૧માં ૧.૧ ટકા જેટલો જ રહ્યો હતો. બીપીઓ ર્સિવસ પ્રોવાઇડર તરીકે ફિલિપાઇન્સે ભારત સાથે સ્પર્ધા કરે છે. દેશના મુખ્ય ઉદ્યોગોમાં રબર ઉત્પાદન, તેલ સંશોધન, ફળ સંરક્ષણ, કાગળ, સિમેન્ટ, પ્લાયવૂડ, સૌંદર્ય પ્રસાધનનાં સાધનો, કાચનાં વાસણો, કપડાં તથા દવાઓનો સમાવેશ થાય છે. જ્યારે ખેત ઉત્પાદનોમાં મકાઈ, શેરડી, તમાકુ, અનાનસ, નારિયેળ તથા કેળાંનું સારું ઉત્પાદન થાય છે. લોખંડ, ચાંદી, સોનું, ક્રોમાઇટ, મેંગેનીઝ અને તાંબા જેવી ખનીજોના મોટા ભંડારો છે.
લોકજીવન
ફિલિપાઇન્સના લોકો મિલનસાર અને સંસ્કૃતિપ્રેમી જણાય છે. પારિવારિક જીવન આપણી સાથે મળતું આવે છે. કેથલિક કુટુંબોમાં દાદા-દાદીનું ઘણું જ મહત્ત્વ છે. કેથલિક ખ્રિસ્તીઓમાં બાપટિસ્ટ જેવા પ્રસંગોમાં સગાંસંબંધીઓ ભેગા થાય છે. ધર્મના મુખ્ય તહેવારો ઉપરાંત નવું વર્ષ, ૧લી મે લેબર ડે અને ૧૨ જૂનના રોજ સ્વતંત્રતા દિવસની રજા હોય છે. ઢીલાં પેન્ટ, શર્ટ, સ્કર્ટ વગેરે યુરોપિયન શૈલીના આખા દેશમાં કોમન છે. કેટલાંક વંશીય ગ્રૂપોનો યુનિક પોશાક અવસર પ્રસંગે દેખાઈ આવે છે. શહેરની સ્ત્રીઓ કોઈ ખાસ પ્રસંગે લાંબો ડ્રેસ પહેરે છે, જેનાથી આખું શરીર ઢંકાઈને પતંગિયાનો આકાર બને છે, જેને ટેર્નો ડ્રેસ કહેવામાં આવે છે. સ્પેનિશોના શાસન સમયથી લોકો નાનાં સ્વતંત્ર ગામોમાં વસવાટ કરે છે, જેને બરન્ગાયઝ કહે છે. તેના લોકલ રાજા (સરપંચ)ને દાતું કહે છે. સ્પેનિશોએ વસાવેલાં નાનાં નગરને પોબ્લાશિયોન્સ કહે છે. પરાં વિસ્તાર બન્યા હોય તેને સીટીઓસ કહે છે. ફિલિપાઇન્સની સંસ્કૃતિમાં સામાજિક વર્તણૂકના પાલન માટે હીયાનું ખૂબ જ મહત્ત્વ છે. હીયાનો મતલબ આમ તો શરમ થાય છે ઉપરાંત વર્તનમાં સુધારો કરવો એવો પણ અર્થ થાય છે. બગુઇયોમાં ફેબ્રુઆરી માસમાં પનાગબેંગા નામનો ફેસ્ટિવલ યોજાય છે. ફિલિપાઇન્સમાં લોકો ધૂમ્રપાનના વ્યસની છે. દેશની કુલ વસતીના ૨૭ ટકા લોકોને આ ટેવ પડેલી છે. કુદરતી આફતોનો માર ખમવાનો ઇતિહાસ અને વર્તમાન ધરાવતી પ્રજા ખડતલ, હિંમતવાન, સહનશીલ અને માયાળુ સ્વભાવની છે.
ખાણીપીણી
કેટલાક એશિયન દેશોની જેમ ફિલિપાઇનીઓના ભોજનમાં પણ ભાતનો મહિમા વધારે છે. ભાત બાફવા ઉપરાંત કેક, પેસ્ટ્રીઝ અને કેટલીક મીઠાઈઓ બનાવવામાં પણ વપરાય છે. સવારના નાસ્તામાં લસણથી વઘારેલા ભાત, બાફેલાં ઇંડાં, કન્ડેન્સ્ડ દૂધ, કોકો, કોફી, બ્રેડ સહજ છે. લીલોતરીથી ભરેલા દેશમાં નારિયેળ, કેળાં, કેરી, પપૈયાં, અનાનસ જેવાં ફળો પણ વિવિધ રીતે ભોજનનો અગત્યનો ઘટક છે. બટાટા, ગાજર, શક્કરિયાં, ટામેટાં, લસણ, ડુંગળી તથા લીલા શાકભાજીનો ઉપયોગ સાવ સહજ છે. દરિયાકાંઠે રહેતો બહોળો વર્ગ સી ફૂડ મજેથી આરોગે છે. માછલીઓની વિવિધ જાતો કૈટ ફિશ, મિલ્ક ફિશ, ચિરાટ,ઝીંગા, ટુના જેવી માછલીઓ દરિયામાંથી પકડીને તેને ચીરીને મીઠં નાખીને પણ ખાઈ શકાય છે. ડુક્કરનું માંસ ઇસ્લામીઓને બાદ કરતા બાકીના ખૂબ આરોગે છે. ફિલિપાઇન્સમાં કૂતરાનું માંસ પણ ખાવા મળે છે. મગ, સોયાબીન તથા અમુક કઠોળનો ક્યારેક ઉપયોગ થાય છે. અમેરિકનોની અસર હેઠળ ચીઝ, પનીર વગેરે ડેરી ઉત્પાદનો ભોજનનો એક ભાગ છે. પરંપરાગત નિર્દોષ પીણું લીલા નારિયેળમાંથી બને છે તેના પલ્પને બુકો કહેવામાં આવે છે. કોકો, કોફી આ સ્પેનિશ કોલોનીની અસર છે, પરંતુ સ્પેનિશોની જેમ બપોર પછી ખાવાની પ્રથા ઓછી થતી જાય છે. રાઇસ નૂડલ તથા ઇંડાં એ જાણીતાં સ્ટ્રીટ ફૂડ છે.
No comments:
Post a Comment