Monday, February 11, 2013

ટિપ્સી ટ્રાવેલ ટિપ્સ !- રજાઓમાં ફરવાની મજા માણતા પહેલા...


અનાવૃત - જય વસાવડા

- રજાઓમાં ફરવાની મજા માણતા પહેલા...


'પ્રવાસ કરવો હોય ત્યારે તૈયારીના ભાગ રૃપે તમારા સાથે લઈ જવા ધારેલા કપડાં અને રૃપિયા નજર સામે પાથરો. પછી એમાંથી અડધા જ કપડા લઈ લો, અને બમણા રૃપિયા લઈ લો!''

સુઝાન હેલરનું આ નખરાળું છતાં નક્કર કવોટ છે. એકસ્પિરિયન્સ બોલતા હૈ. બસ, આમાં ફેરફાર એટલો જ કે હવે બહુ બધા રૃપિયાથી વોલેટ - પર્સનો ભાર વધારવાની જરૃર નથી. ડેબિટ ક્રેડિટ કાર્ડસ જો હૈ!

સી, ટ્રાવેલ ટિપ્સ બે પ્રકારની હોય છે. એક સાથે એક ટોર્ચ, એક ચપ્પુ, એક ધાબળો રાખવો પ્રકારની જૂના જમાનાના દીપોત્સવી અંકોનાં ઘરગથ્થુ ઉપચારો સાથે છપાતી ટેકનિકલ અને બીજી... જે હવે તમે વાંચવા જઈ રહ્યાં છો, એવી સ્પેશ્યલ!

(૧) નો બક બક, જસ્ટ વોક વોક ઃ

જો પ્રવાસ કરવો હોય, અને વૃધ્ધાવસ્થા કે બીમારીને લીધે કોઈ તકલીફ કે અશક્તિ ન હોય, તો બસ ચલ ચલા ચલ! કોઈ પણ નવા સ્થળને અને તેના નકશાને પૂરેપૂરો આત્મસાત કરવાનો શ્રેષ્ઠ રસ્તો આપણા પગ નીચે જ પસાર થતો હોય છે. મતલબ, શક્ય તેટલું ચાલીને ફરવાની તૈયારી! શહેર કે ગામની 'ફીલ' ચાલીને ફરવાથી આવે. ખૂણામાં બેઠેલા ફેરિયાઓ છૂપા વળાંકો, વાતો કરવા માટે ઝળુંબતા મકાનો, નાકમાં પ્રવેશતી મલ્ટીપલ સ્મેલ્સ, જોડે ચાલતી અવનવી કાયાઓ અને માયાઓ! સુંવાળા થઈ ગયેલા આપણા રામોને થોડુંક ચાલવાથી થાક લાગે છે, શ્વાસ અને પિંડી ફુલી જાય છે. માટે રોજેરોજ ચાલવાની રજાઓ સિવાય ધરમેળે પણ પ્રેકટિસ રાખવી. સારા, ગોઠણ ન દુખે એવા મોંઘા શૂઝ રાખવા (નહિ તો પછી સાંધાની બીમારીઓના બિલ વધુ મોંઘા પડશે!) પણ ચાલીને ફરવાનો આગ્રહ રાખવો. માનસિક મોજની સાથે શારીરિક સ્વાસ્થ્ય સુધરશે ને ચરબી ઓગળશે એ એડેડે એડવાન્ટેજ!

(૨) સરખામણી તે અળખામણી ઃ

ભારતીયોની બહોત બૂરી આદત વાતેવાતમાં પર્સનલ એન્ડ જજમેન્ટલ થઈ જવાની છે. જયાં જઈએ ત્યાં આપણી અંદર જે - તે વિસ્તાર/ દેશની સ્થાનિક રીતભાત કે ખૂબીખામીઓ સાથે આપણા વતનની વાતોની સરખામણી કરવાનાં જીન્સ એક્ટિવેટ થઈ જતા હોય છે! જાણે આપણે કશુંક નવું જાણવા કે માણવા નહિ, પણ પોતાનું રાજય, દેશ, ધર્મ, ભાષા, ખાનપાન વગેરે બીજાઓથી કેટલું ચડિયાતું છે, એ કોર્ટમાં સાબિત કરવા માટે પ્રવાસો કરતા હોઈએ! આપણો હેતુ કુદરતે કેવી વૈવિધ્યસભર દુનિયા બનાવી છે, એના સબડકા ભરવાનો છે. નવી નવી સંસ્કૃતિ અને લોકોનો પરિચય કેળવવાનો છે, આપણો જ વાવટો યુધ્ધખોર સેનાપતિની માફક જયાં ને ત્યાં લહેરાવવાનો નથી!


(૩) મ્યુઝિયમ એટલે યમ યમ! ઃ

ભૂલકાંને આઈસ્ક્રીમ જોઈને જે 'યમ યમ'ની સ્વીટ ફીલિંગ થાય, એમ કોઈ પણ પ્રવાસમાં કોઈ સારૃં, વિખ્યાત, અણમોલ મ્યુઝિયમ જોઈને આપણાં મોંમાં પાણી છૂટવું જોઈએ! ઈન્ટરનેટનાં જમાનામાં ઘણા યોગ્ય રસરૃચિ ધરાવતા લોકોને પણ ઓનલાઈન લટાર લગાવવા જેટલો ઉમળકો 'ડેડ' લાગતા મ્યુઝિયમોમાં ફરવાનો થતો નથી. સો સેડ,સો બેડ. કારણ કે, બીજું બધું જે વર્તમાનમાં છે, એ તો તમને કોઈ સ્ટેશન પર પગ મૂકતાવેંત દેખાવાનું પણ મ્યુઝિયમ તો કાળની સામે બાખડીને ભૂતકાળને સજીવન કરે છે! ટેકસ્ટબૂકમાં ન સમજાય, એ મ્યુઝિયમમાં પ્રેકટિકલી સમજાય એવા રસપ્રદ મ્યુઝિયમ્સ અમેરિકા - યુરોપે ઉભા કર્યાં છે, એનું તીર્થાટન કયારેક માથું નમાવવા નહિ, પણ ખોલવા કરવા જેવું ખરૃં! અને ભારત તો આખો દેશ જ એક રસપ્રદ મ્યુઝિયમ છે!

(૪) ખાવાના નામે ભેજું ન ખાવું!

'રોમમાં રસપુરી અને પેરિસમાં પતરાં' જેવા ટ્રેડમાર્ક ટ્રાવેલ સ્લોગન્સ ગુજરાતીઓ માટે ગૌરવની નહિ, શરમની વાત છે. જો રસપુરી - પાતરાં જ ખાધા કરવા હોય તો બીજા નગરમાં ય જવાનો ખર્ચ શા માટે કરવો? ઘરની અગાસીએ જ જાવ ને! અને દુધપૌઆં ખાવ! વિશ્વભરમાં સૌથી વધુ વાનગીઓની વરાયટી આઈ લવ માય ઈન્ડિયામાં છે, એ ખરૃં. પણ પ્રવાસનો પાયાનો નિયમ એ છે કે, જયાં જાવ એ દેશના કલ્ચરની સાથે ત્યાંની સ્પેશ્યાલિટીઝ ગણાતી વાનગીઓ પણ ટેસ્ટ કરો. સભ્યતાઓ માત્ર સ્થાપત્યોમાં જ નહિ, ખોરાકમાં પણ પારકવા મળે છે. આંખની જેમ જીભને ય ટેસડા કરાવો. એક પ્રેકટિકલ વાતની બરાબર નોંધ લેવી. ભારતની બહાર પગ મૂકો એટલે જાણેય - અજાણ્યે પણ તમે એગીટેરિયન (નોનવેજ નહિ પણ ઈંડા ખાનારા) તો થઈ જ જવાના છો, માટે એની બહુ ચાંપલાશ હોય તો બહેતર કે ઘરમાં બેઠા રંગોળી કરો કે મહેમાનોનું મોં મીઠું કરાવો. બીજું, ''આહાર તેવા વિચાર કે વિકાર'' એ નર્યું ધુપ્પલ છે, માટે ભારત બહાર જાવ તો પરાણે માંસાહાર ન કરવો હોય તો મરજી હૈ આપ કી. પણ બીજાઓ એ કરે એની સુગ રાખવી હોય તો નિશાળેથી નીકળીને જવું પાસરૃં ઘેર! જીભનો ચટકો નવા નવા સ્વાદ માટે કલ્ટિવેટ કરવો પડે. બહાર નીકળવાનો અર્થ જ નવા બનવાનો છે. માટે બહાર નીકળો તો 'ગુજરાતી ભોજન ખોજ અભિયાન' પર સદંતર ચોકડી. જયાં હો તેનું ઓથેન્ટિક, એથનિક કે અલ્ટ્રામોર્ડન ફુડ ખાઈને ગુડ ગુડ મૂડમાં રહો!

(૫) ફોટો - જેનિક નહિ, 'લોકો' - જેનિક જગ્યાઓ

બહાર ફરવા જઈએ, એટલે જયાં ફોટોશોપ જેવા એડિટિંગ સોફટવેરની મદદ વિના પણ આપણું મુખારવિંદ દેખાય એવી ફેમસ જગ્યાઓએ તો જવું જ જોઈએ. તો જ બીજાઓને એ જોઈ નાખ્યાનો પોઈન્ટ સ્કોર કરી શકાય ને! પણ આવી જગ્યાઓએ ધક્કામુક્કી કરીને ય ગયા પછી અંતે તો ત્યાં આપણી જેવા ટુરિસ્ટસ જ વધુ જોવા મળવાના. જે - તે સ્થળના માણસોન મળવાનં, અને એમનું એકસપ્લોરેશન કરવાનું કયારે શકય બને? જે - તે સ્થળના એવા ચોકમાં, બારમાં, બસ સ્ટોપ પર, ધાર્મિક સ્થળો પર, બજારમાં જવું જયાં ત્યાંના લોકો અને એમની આદતોનો પરિચય થાય! હળતામળતા રહેવા માટે લાંબીલચ વાતો કરવાને બદલે હસતા રહેવું. ભાષાની બહુ ચિંતા ન કરવી, બહેરા - મૂગા લોકો પ્રેમમાં ય પડી જતા હોય જ છે ને! નહિ તો જેમ્સ બોન્ડ વર્જીન જ હોત! ખીખીખી. કોન્ફિડન્સથી કન્વર્ઝેશન (વાતચીત) શરૃ કરવી. કશુંક માર્ગદર્શન માંગવું, જે - તે જગ્યા વિશે ફૂછવું, અને મોં જોઈને જ અંદાજ મારવાને બદલે હળવીફૂલ વાતો કરતા રહેવી. નવા દોસ્તો મળે ન મળે, નવી મજાઓ જરૃર મળશે!

(૬) બાય બાય ટુ બાયિંગ ઃ

ગુજરાતી પ્રવાસીઓનું સૌથી થ્રીલિંગ એડવેન્ચર બહાર નીકળી શોપિંગ કર્યા કરવાનું (અને અમુક - તમુક માટે બ પોરે દાળ - ભાત શોધી, રાત્રે દારૃ પીધા કરવાનું!) હોય છે. એક તો ઓલ-રેડી અથાણા-થેપલાંથી લદબદ ખદબદ સામાનનો ખડકલો લઈને જ નીકળ્યા હોય અને વધુમાં નવું જોવા -સાંભળવા - જોવાને બદલે નવું ખરીદવામાં જ બધાને થ્રિલ આવતી હોય છે. કોઈ જગ્યાની સ્પેશ્યાલિટી ગણાય અને પછી ઘેરબેઠાં ન મળે, એળી 'સુવેનિઅર' ટાઈપ ચીજો સિવાય બહુબધી ખરીદીનો મોહ ટાળવો. કપડાં તો ભારતમાં ય સરસ હોય જ છે. અને ગ્લોબલી નેટ કનેકટેડ વિશ્વમાં ઘણીખરી ચીજો જરાક એકસ્ટ્રા ભાવ (કયારેક તો એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ) પછી ઘેર બેઠાં મળી રહે છે. આવી દુનિયાને દેખાડવાની ખરીદીનો મોહ કંટ્રોલ કરીને એ માટેના પૈસા પ્રવાસમાં એવી બાબતોમાં નાખો, જે ઘેર બેઠાં મળવાની નથી અને જેનું વજન ઘેર સુધી ઉંચકવાનું નથી જેમ કે, સ્થાનિક સંગીત - નૃત્યની કોર્ન્સ્ટ, ડ્રામાના શોઝ, કિલ્લાઓ કે બગીચાઓમાં ફરવાના અનુભવો, તહેવારોની ઉજવણી, સ્થાનિક વ્યક્તિઓ સાથે મુલાકાતો એટસેટરા... ટૂંકમાં શોપિંગમાં બચાવો, શોઝમાં ઉડાવો!

(૭) પેકેજ પેઈડ ટુર નહિ, સેલ્ફ મેઈડ ટુરઃ

જો શકય હોય તો માર્કેટિંગ પૂરતી લલચામણી અને ટ્રાવેલિંગ પૂરતી બિહામણી લાગતી પેકેજ ટુરની લપસણી દિશા ટાળી, જાતે જ પ્રવાસનું સાહસ કરવું જોઈએ. બસ, થોડા સા ઈન્ટરનેટ યા લાયબ્રેરીમેં રિર્સચ, થોડી અનુભવી દોસ્તો સે ગપસપ, થોડે ખટ્ટેમીઠે ખ્વાબ, ઔર કુછ કમાયા - કુછ બચાયા હુઆ બેન્ક બેલેન્સ - ઉસ મેં મિલા દો કુછ ઉમંગ કે રંગ ઔર હોગા જો નશા તૈયાર વો ફેસ્ટિવલ ટ્રાવેલ્સ હૈ! ઘણી વખત આખી દુનિયા ભીડ જમાવી બેઠી હોય એવા, ફિલ્મોમાં ય જોઈ જોઈને ધરાઈ ગયા હોઈએ એવા જગજાણીતા સ્થળે જવા કરતાં, કોઈએ ભાગ્યે જ જોયું હોય એવું કોઈ ખૂણામાં દબાયેલું અજાણ્યું પણ અફલાતૂન સ્થળ શોધી કાઢવામાં આતશબાજીનો આનંદ મળે છે. થોડું પ્લાનિંગ સાથે કોઈ ્સ્થળે પહોચવું, પણ પછી થોડુંક પ્લાનિંગ પડતું મૂકી રેન્ડમ રખડપટ્ટી કરવાની. એમ ને એમ જ બસ, કોઈ રસ્તા પર કે કોઈ દિશામાં ચાલવું! માપસરની હોટલ રાખી પૈસા એટલે બચાવવાના કે તમે નવી જગ્યા જોવા જાવ છો કોઈ માભાદાર બેડરૃમમાં સૂવા નહિ. આમે ય સૂવા - ન્હાવા સિવાય હોટલનું શું કામ છે? પણ એ પૈસાથી અલગારી રીતે ફરવું ચસચસાવીને બધું તાકાતનું ટીપેટીપું નિચોવીને જોવું, પણ એક દિવસમાં બધું ફક્ત ટિક કરવા માટે ઉચક જીવે અને ઉભડક શ્વાસે પૈસા વસૂલ કરવા જોવાનો મતલબ નથી. એવો પ્રવાસ મગજમાં 'ટેન્પ' ફાઈલ બનાવશે જે તરત જ ડિલિટ થઈ જશે. પણ ગમે ત્યાં બે વાર જઈ શકો, જયાં જાવ ત્યાં જરાક ફોટા પાડયા વિના, પાછા ફરવાની ઉતાવળમાં દોડયા વિના થોડીક વાર શાંતિથી ઊભા ઊભા એ જગ્યાને, એના વાયબ્રેશન્સને અંદર ઉતરવા દેવાના. ઓડિયો, વિઝયુઅલ અનુભૂતિને શ્વાસની સાથે ભરી લેવાની ભલે, ઓછું જોવાય પ ણ જે જોવાય એ રસથી માણી શકાય, એનું નામ ઉત્સવ છે. એ માટે બહુ બહુ તો પ્રાથમિક અંદાજ માટે પેકેજ ટૂર કરવી, પણ પછી તો જેનું રિમોટ કંટ્રોલ આપણા હાથમાં હોય એવા જ પ્રવાસો ખેડવા! એક અનપ્રેડિકટબલ એડવેન્ચરનો ચાર્મ માણવા માટે!

પ્રવાસ એક પાઠશાળા છે બહાર જઈને હોમસિક થઈ જવાને બદલે સતત હોમમાં રહીને ય સિક થઈ શકાય છે. ફરવું એટલે જીવવું એવું પરીકથાનો લેખક હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસન કહેતો! કયારેક કોઈ દિવાળીએ ફરજીયાત પ્રવાસ નહિ કરી શકો, એ દિવાળીએ આસપાસનાં ફટાકડા ફોડી કંટાળેલા બચ્ચાંઓને કહેવા માટેના અવનવા અનુભવોનું ય બેન્ક બેલેન્સ વધારવું પડશે ને!
ડરો નહિ, ફરો!

Wednesday, February 6, 2013

વૈગઈ નદીના કિનારે વસેલું સુંદર શહેર – મદુરાઈ

ચાલો ફરવા
મદુરાઈ દક્ષિણ ભારતના સૌથી સુંદર શહેર તરીકે ઓળખાય છે. આ શહેર તામિલનાડુનું બીજું સૌથી મોટું શહેર છે. વૈગઈ નદીના કિનારે આવેલું આ શહેર તેનાં પ્રવાસન સ્થળો માટે ભારતમાં જ નહીં, પણ દુનિયાભરમાં વિખ્યાત છે.
  • મદુરાઈનું મીનાક્ષી મંદિર વિશ્વપ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિર તેના બાંધકામની ઢબને કારણે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.
  • આ શહેર પ્રાચીન સમયમાં અલગ અલગ નામોથી ઓળખાતું હતું. જેમ કે, કૂડલ માનગર, થૂંગા નગરમ્, મલ્લિગઈ માનગર (મોગરાનું શહેર) અને થિરુવિજહા નગરમ્ વગેરે પણ તેની ઓળખ હતી. આ ઉપરાંત એમ પણ મનાય છે કે મધુરાપુરીનું અપભ્રંશ થઈને હવે મદુરાઈ કહેવાય છે.
  • મદુરાઈ શહેર 'એથેન્સ ઓફ ધ ઈસ્ટ' તરીકે પણ ઓળખાય છે, કેમ કે આ શહેરની વાસ્તુકલા અને નગરરચના પ્રાચીન એથેન્સ શહેર જેવી બેનમૂન અને ભવ્ય છે.
  • આ શહેર ૨૫૦૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે. સુરુમલાઈ અને નાગામલાઈ નામના બે પહાડોથી ઘેરાયેલા આ શહેરનું તામિલનાડુ રાજ્યમાં વ્યાવસાયિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ રહેલું છે.
  • તિરુમલાઈ નાયક પેલેસ મદુરાઈનાં પર્યટન સ્થળોમાંનું એક મહત્ત્વનું સ્થળ છે. મહેલમાં સાંજે ધ્વનિ અને પ્રકાશનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં રાજા અને તેમના શાસનની વાતો કરવામાં આવે છે. અહીંની મુલાકાત લેતા પ્રવાસીઓમાં આ શોનું વિશેષ આકર્ષણ જોવા મળે છે.
  • વૈગઈ ડેમ મદુરાઈથી ૭૦ કિમી દૂર આવેલો છે અને ડેમની આસપાસનો વિસ્તાર પિકનિક સ્પોટ તરીકે વિકસાવાયો છે.
  • આ સિવાય શહેરથી થોડા દૂરનાં પર્યટન સ્થળોમાં પેરિયાર અભયારણ્ય અને કોડાઈ કેનાલનો સમાવેશ થાય છે. પેરિયાર અભયારણ્ય મદુરાઈથી ૧૫૫ કિમીની દૂરી પર આવેલું છે જ્યાં હાથી મોટી સંખ્યામાં જોવા મળે છે. જ્યારે કોડાઈ કેનાલ મદુરાઈથી ૧૧૯ કિમીના અંતરે આવેલી છે. આ કોડાઈ કેનાલ હિલ સ્ટેશન જેવી સુંદરતા ધરાવે છે.
  • મદુરાઈ શહેર ભારતનાં મોટાં શહેરો સાથે વેલ કનેક્ટેડ હોવાથી ભારતના કોઈ પણ સ્થળેથી રેલ મારફત કે હવાઈ માર્ગે જઈ શકાય છે.

Sunday, February 3, 2013

કુદરત સાથે ઈતિહાસની સફર વોટરફોલ્સ અને રોક પેઈન્ટિંગ્સથી લથબથ કૈમૂર પર્વતમાળાનો પ્રવાસ અવર્ણનીય બની રહેશે




ઓફ્ફબીટ એક્સપ્રેસ - રાહુલ દવે
હવે તો દિવાળીનો થાક પણ ઊતરી ગયો હશે અને બધા પોતપોતાના કામધંધે ખંત અને બમણા ઉત્સાહથી ચડી ગયા હશો. ચાલો હવે આવી જઈએ મુદ્દા પર. આજે મધ્ય પ્રદેશના બલઘાટ જિલ્લાના કતંગી પ્રદેશથી બિહારના રોહતસ જિલ્લા સુધી ફેલાયેલી કૈમૂરની પર્વતમાળા વિશે વાત કરવી છે. આ એક ખરેખર અવર્ણનીય પ્રવાસ બની રહેશે એની ગેરંટી છે.

કૈમૂર પર્વતમાળા પહોંચવા માટે એક જ રેલવે સ્ટેશન છે અને એ છે ભબુઆ રોડ. અમુક ટ્રેનો જેવી કે મુંબઈ મેલ, પુરુષોત્તમ એક્સપ્રેસ, બુદ્ધપૂર્ણિમા એક્સપ્રેસ, શિપરા એક્સપ્રેસ વગેરે ત્યાં થોભે છે અને આ જ એક ઉત્તમ પરિવહન વિકલ્પ છે કૈમૂર પહોંચવા માટે.

કૈમૂરની પર્વતમાળા ઘાટ ઘાટના અને ભાત ભાતના વોટરફોલ્સ ધરાવે છે. પ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ વોટરફોલની મજા માણવા માટે પહોંચી જાય છે. વિન્ટરની ચિલિંગ થ્રિલ્સ માણવા માટે આ ઉત્તમ સમય છે. અમુક જાણીતા વોટરફોલ્સ જેવા કે પૂર્વા ફોલ્સ (૭૦ મી., રેવા જિલ્લો), ચાચાઈ ફોલ્સ ૧૨૭ મી., બિહાડ નદી), કેરોટી ફોલ્સ (૯૮ મી., મહાન નદી) વગેરે છે. આ વોટરફોલ્સ ૧૫ મી.થી ૧૮૦મી. સુધીની જુદી જદી ઊંચાઈ ધરાવે છે. આ ઉપરાંત કૈમૂર પર્વતમાળાની સાથે સાથે ઉચ્ચ પ્રદેશની શ્રેણી પણ છે જે પશ્ચિમમાં પન્નાથી શરૂ થાય છે અને પૂર્વમાં રોહતસથી પૂર્ણ થાય છે. દર વર્ષે પ્રવાસીઓનો ધોધ પણ અહીંયાં આવેલા ધોધની જેમ વધતો જ રહે છે, ક્યારેય ઘટવાનું નામ નથી લેતો.

કૈમૂર પર્વતમાળાની બીજી એક વિશિષ્ટતા છે અહીં આવેલાં ઐતિહાસિક રોક પેઈન્ટિંગ્સ. કૈમૂર પર્વતમાળાના નવાડા અને જામૂઈ વિસ્તારોમાં રોક પેઈન્ટિંગ્સ આજે પણ મોજૂદ છે. ત્યાંથી નજીક જ અલ્લુવિયમના નીચ પ્રદેશમાં ઉત્તર પાષાણયુગની વસાહત પણ મળી આવી છે. જો તમારે ઐતિહાસિક યુગની લાઈફસ્ટાઈલ અને કુદરતી વાતાવરણ વિશે જાણવું હોય તો અહીંયાં હાજર રોક પેઈન્ટિંગ્સ જોવાં જ રહ્યાં. સૂર્ય, ચંદ્ર, તારા, પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો, નદીઓ આ બધાંનાં પેઈન્ટિંગ્સ ત્યાં મોજૂદ છે. આ ઉપરાંત બિહારની આદિ પ્રજાઓનાં ચિત્રો જેવાં કે નૃત્ય કરતાં, શિકાર કરતાં, ચાલતાં, દોડતાં પણ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે અહીંથી પ્રાપ્ત થયેલા રોક પેઈન્ટિંગ્સ સ્પેનના અલ્ટામીરા અને ફ્રાન્સના લાસ્કોક્સમાંથી મળેલાં રોક પેઈન્ટિંગ સાથે ગજબની સામ્યતા ધરાવે છે. હવે આના પરથી શું અનુમાન લગાવી શકાય? કે આપણી પ્રજા હજારો વર્ષ પહેલાં પણ ત્યાં સ્પેનમાં અને ફ્રાન્સમાં વસતી હશે.

બસ, તો વિન્ટરની સિઝન પૂરી થાય એ પહેલાં નીકળી જાઓ અને કુદરતી સાંનિધ્યમાં વર્તમાન સમયમાં ઈતિહાસની સફર કરતા આવો. 

ભાનગઢઃ ધ ઘોસ્ટ ટાઉન ધર્મગુરુની શરતના અનાદરે સમૃદ્ધ અને સુસંપન્ન શહેરમાંથી બનેલું ભૂતિયું શહેર



ઓફ્ફબીટ એક્સપ્રેસ - રાહુલ દવે
ગયા અઠવાડિયે મિની સ્વિટ્ઝર્લેન્ડની મીઠી મુલાકાત લઈને દિલોદિમાગ સ્વીટ અને રોમેન્ટિક થઈ ગયાં હશે તો ચાલો આજે એક એવા ટૂરિસ્ટ પ્લેસની મુલાકાતે જઈએ કે દિલની ધડકન વધી જાય અને મન એડવેન્ચર અને થ્રિલથી તરબતર થઈ જાય... બોલો, શું કહો છો? ગાડી સ્ટાર્ટ કરું?

વેલકમ ટુ રાજસ્થાન, વિદેશી ટૂરિસ્ટો માટે ભારતનું એક બેસ્ટ ડેસ્ટિનેશન ત્યાંના રાજમહેલો અને કિલ્લાઓ માટે ખૂબ જ જાણીતું છે, પરંતુ આજે આપણે વાત કરવી છે એક એવા શહેરની કે જે ‘ભૂતિયા શહેર’ તરીકે ઓળખાય છે. આંચકો ખાઈ ગયાં ને... અરે મિત્રો, એકદમ સત્ય વચન છે. રાજસ્થાનના જયપુર શહેર અને દિલ્હીની વચ્ચે સારિસ્કના જંગલના કિનારે વસેલ ભાનગઢ શાપિત શહેર અથવા ભૂતિયા શહેર તરીકે ઓળખાય છે. આમ છતાં છેલ્લાં થોડાંક વર્ષોથી એ એડવેન્ચર લવર્સ ટૂરિસ્ટો માટે એક હોટ સ્પોટ બની ગયું છે.

લોકવાયકા એવી છે કે ભાનગઢના રાજાને આ શહેર બાંધવા માટેની પરવાનગી તે વખતના ધર્મગુરુ બાલુનાથે એ શરતે આપી હતી કે જો તમારી ઈમારતોનો પડછાયો મારી જગ્યા (આશ્રમ) પર પડશે એ જ ક્ષણે આ શહેરનો ધ્વંસ થઈ જશે. રાજાએ બાંધકામ શરૂ કર્યું પણ શરત ભૂલી ગયો. (આજકાલના બિલ્ડરોની જેમ જ...) અને એક દિવસ ઈમારતનો પડછાયો બાલુનાથના આશ્રમ પર પડ્યો અને શહેરની હવેલીઓ ધ્વસ્ત થઈ ગઈ.

ભાનગઢ ત્યાંના કિલ્લાઓ તથા મંદિરો માટે સુવિખ્યાત છે. આ શહેરમાં ભગવાન ગોપીનાથ, સોમેશ્વર મહાદેવ, લાવિણાદેવી, મંગલાદેવી વગેેરેનાં પ્રાચીન સુંદર કોતરણી ધરાવતાં મંદિરો છે. અત્યારે ધ્વસ્ત થઈ ગયેલા કિલ્લાઓ અને મહેલો એક સમયના સમૃદ્ધ અને સુસંપન્ન ભાનગઢની યાદ અપાવે છે. આ શહેરના રહેવાસીઓના કહેવા મુજબ ભાનગઢના કિલ્લાઓની આસપાસના વિસ્તારમાં કોઈપણ ઘર બનાવે તેની છત થોડા સમયમાં તૂટી જ પડે. આ ઉપરાંત ત્યાંના કિલ્લાઓમાં જે સૂર્યાસ્ત બાદ ગયું છે તે ક્યારેય પાછું આવ્યું જ નથી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ પણ શહેરના પ્રવેશદ્વારે બોર્ડ મૂક્યું છે કે, ‘સૂર્યાસ્ત બાદ રહેવાની સખત મનાઈ છે.’

આટલી બધી પ્રતિકૂળતાઓ છતાં પણ ભાનગઢમાં દેશવિદેશથી સહેલાણીઓ આવે છે, આ શહેરની મુલાકાત લે છે અને ટૂરિસ્ટ ગાઈડ પાસે આ શહેરના ઈતિહાસની વિગતો રસથી સાંભળે છે. આમ પણ, ભારતીય સંસ્કૃતિ વિશે જાણવાની આપણને થોડી ઉત્કંઠા હોય?

જે પણ હોય, આ ભૂતિયા શહેર ભાનગઢની મુલાકાત એક એડવેન્ચરિયસ, થ્રિલ્ડ અને એકદમ અવિસ્મરણીય પ્રવાસ બનશે એની ૧૦૦ ટકા ગેરન્ટી છે. હા, થોડો ડર લાગશે, પરંતુ ‘ડર કે આગે જીત હૈ’. તો બસ કરો એસએમએસ તમારા ગ્રુપમાં અને આજે જ પ્લાન ડિસ્કસ કરો એક અદ્ભુત છતાં આહ્લાદક સફરનો..