Sunday, February 3, 2013

ભાનગઢઃ ધ ઘોસ્ટ ટાઉન ધર્મગુરુની શરતના અનાદરે સમૃદ્ધ અને સુસંપન્ન શહેરમાંથી બનેલું ભૂતિયું શહેર



ઓફ્ફબીટ એક્સપ્રેસ - રાહુલ દવે
ગયા અઠવાડિયે મિની સ્વિટ્ઝર્લેન્ડની મીઠી મુલાકાત લઈને દિલોદિમાગ સ્વીટ અને રોમેન્ટિક થઈ ગયાં હશે તો ચાલો આજે એક એવા ટૂરિસ્ટ પ્લેસની મુલાકાતે જઈએ કે દિલની ધડકન વધી જાય અને મન એડવેન્ચર અને થ્રિલથી તરબતર થઈ જાય... બોલો, શું કહો છો? ગાડી સ્ટાર્ટ કરું?

વેલકમ ટુ રાજસ્થાન, વિદેશી ટૂરિસ્ટો માટે ભારતનું એક બેસ્ટ ડેસ્ટિનેશન ત્યાંના રાજમહેલો અને કિલ્લાઓ માટે ખૂબ જ જાણીતું છે, પરંતુ આજે આપણે વાત કરવી છે એક એવા શહેરની કે જે ‘ભૂતિયા શહેર’ તરીકે ઓળખાય છે. આંચકો ખાઈ ગયાં ને... અરે મિત્રો, એકદમ સત્ય વચન છે. રાજસ્થાનના જયપુર શહેર અને દિલ્હીની વચ્ચે સારિસ્કના જંગલના કિનારે વસેલ ભાનગઢ શાપિત શહેર અથવા ભૂતિયા શહેર તરીકે ઓળખાય છે. આમ છતાં છેલ્લાં થોડાંક વર્ષોથી એ એડવેન્ચર લવર્સ ટૂરિસ્ટો માટે એક હોટ સ્પોટ બની ગયું છે.

લોકવાયકા એવી છે કે ભાનગઢના રાજાને આ શહેર બાંધવા માટેની પરવાનગી તે વખતના ધર્મગુરુ બાલુનાથે એ શરતે આપી હતી કે જો તમારી ઈમારતોનો પડછાયો મારી જગ્યા (આશ્રમ) પર પડશે એ જ ક્ષણે આ શહેરનો ધ્વંસ થઈ જશે. રાજાએ બાંધકામ શરૂ કર્યું પણ શરત ભૂલી ગયો. (આજકાલના બિલ્ડરોની જેમ જ...) અને એક દિવસ ઈમારતનો પડછાયો બાલુનાથના આશ્રમ પર પડ્યો અને શહેરની હવેલીઓ ધ્વસ્ત થઈ ગઈ.

ભાનગઢ ત્યાંના કિલ્લાઓ તથા મંદિરો માટે સુવિખ્યાત છે. આ શહેરમાં ભગવાન ગોપીનાથ, સોમેશ્વર મહાદેવ, લાવિણાદેવી, મંગલાદેવી વગેેરેનાં પ્રાચીન સુંદર કોતરણી ધરાવતાં મંદિરો છે. અત્યારે ધ્વસ્ત થઈ ગયેલા કિલ્લાઓ અને મહેલો એક સમયના સમૃદ્ધ અને સુસંપન્ન ભાનગઢની યાદ અપાવે છે. આ શહેરના રહેવાસીઓના કહેવા મુજબ ભાનગઢના કિલ્લાઓની આસપાસના વિસ્તારમાં કોઈપણ ઘર બનાવે તેની છત થોડા સમયમાં તૂટી જ પડે. આ ઉપરાંત ત્યાંના કિલ્લાઓમાં જે સૂર્યાસ્ત બાદ ગયું છે તે ક્યારેય પાછું આવ્યું જ નથી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ પણ શહેરના પ્રવેશદ્વારે બોર્ડ મૂક્યું છે કે, ‘સૂર્યાસ્ત બાદ રહેવાની સખત મનાઈ છે.’

આટલી બધી પ્રતિકૂળતાઓ છતાં પણ ભાનગઢમાં દેશવિદેશથી સહેલાણીઓ આવે છે, આ શહેરની મુલાકાત લે છે અને ટૂરિસ્ટ ગાઈડ પાસે આ શહેરના ઈતિહાસની વિગતો રસથી સાંભળે છે. આમ પણ, ભારતીય સંસ્કૃતિ વિશે જાણવાની આપણને થોડી ઉત્કંઠા હોય?

જે પણ હોય, આ ભૂતિયા શહેર ભાનગઢની મુલાકાત એક એડવેન્ચરિયસ, થ્રિલ્ડ અને એકદમ અવિસ્મરણીય પ્રવાસ બનશે એની ૧૦૦ ટકા ગેરન્ટી છે. હા, થોડો ડર લાગશે, પરંતુ ‘ડર કે આગે જીત હૈ’. તો બસ કરો એસએમએસ તમારા ગ્રુપમાં અને આજે જ પ્લાન ડિસ્કસ કરો એક અદ્ભુત છતાં આહ્લાદક સફરનો..

No comments:

Post a Comment