ઓફ્ફબીટ એક્સપ્રેસ - રાહુલ દવે હવે તો દિવાળીનો થાક પણ ઊતરી ગયો હશે અને બધા પોતપોતાના કામધંધે ખંત અને બમણા ઉત્સાહથી ચડી ગયા હશો. ચાલો હવે આવી જઈએ મુદ્દા પર. આજે મધ્ય પ્રદેશના બલઘાટ જિલ્લાના કતંગી પ્રદેશથી બિહારના રોહતસ જિલ્લા સુધી ફેલાયેલી કૈમૂરની પર્વતમાળા વિશે વાત કરવી છે. આ એક ખરેખર અવર્ણનીય પ્રવાસ બની રહેશે એની ગેરંટી છે. કૈમૂર પર્વતમાળા પહોંચવા માટે એક જ રેલવે સ્ટેશન છે અને એ છે ભબુઆ રોડ. અમુક ટ્રેનો જેવી કે મુંબઈ મેલ, પુરુષોત્તમ એક્સપ્રેસ, બુદ્ધપૂર્ણિમા એક્સપ્રેસ, શિપરા એક્સપ્રેસ વગેરે ત્યાં થોભે છે અને આ જ એક ઉત્તમ પરિવહન વિકલ્પ છે કૈમૂર પહોંચવા માટે. કૈમૂરની પર્વતમાળા ઘાટ ઘાટના અને ભાત ભાતના વોટરફોલ્સ ધરાવે છે. પ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ વોટરફોલની મજા માણવા માટે પહોંચી જાય છે. વિન્ટરની ચિલિંગ થ્રિલ્સ માણવા માટે આ ઉત્તમ સમય છે. અમુક જાણીતા વોટરફોલ્સ જેવા કે પૂર્વા ફોલ્સ (૭૦ મી., રેવા જિલ્લો), ચાચાઈ ફોલ્સ ૧૨૭ મી., બિહાડ નદી), કેરોટી ફોલ્સ (૯૮ મી., મહાન નદી) વગેરે છે. આ વોટરફોલ્સ ૧૫ મી.થી ૧૮૦મી. સુધીની જુદી જદી ઊંચાઈ ધરાવે છે. આ ઉપરાંત કૈમૂર પર્વતમાળાની સાથે સાથે ઉચ્ચ પ્રદેશની શ્રેણી પણ છે જે પશ્ચિમમાં પન્નાથી શરૂ થાય છે અને પૂર્વમાં રોહતસથી પૂર્ણ થાય છે. દર વર્ષે પ્રવાસીઓનો ધોધ પણ અહીંયાં આવેલા ધોધની જેમ વધતો જ રહે છે, ક્યારેય ઘટવાનું નામ નથી લેતો. કૈમૂર પર્વતમાળાની બીજી એક વિશિષ્ટતા છે અહીં આવેલાં ઐતિહાસિક રોક પેઈન્ટિંગ્સ. કૈમૂર પર્વતમાળાના નવાડા અને જામૂઈ વિસ્તારોમાં રોક પેઈન્ટિંગ્સ આજે પણ મોજૂદ છે. ત્યાંથી નજીક જ અલ્લુવિયમના નીચ પ્રદેશમાં ઉત્તર પાષાણયુગની વસાહત પણ મળી આવી છે. જો તમારે ઐતિહાસિક યુગની લાઈફસ્ટાઈલ અને કુદરતી વાતાવરણ વિશે જાણવું હોય તો અહીંયાં હાજર રોક પેઈન્ટિંગ્સ જોવાં જ રહ્યાં. સૂર્ય, ચંદ્ર, તારા, પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો, નદીઓ આ બધાંનાં પેઈન્ટિંગ્સ ત્યાં મોજૂદ છે. આ ઉપરાંત બિહારની આદિ પ્રજાઓનાં ચિત્રો જેવાં કે નૃત્ય કરતાં, શિકાર કરતાં, ચાલતાં, દોડતાં પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીંથી પ્રાપ્ત થયેલા રોક પેઈન્ટિંગ્સ સ્પેનના અલ્ટામીરા અને ફ્રાન્સના લાસ્કોક્સમાંથી મળેલાં રોક પેઈન્ટિંગ સાથે ગજબની સામ્યતા ધરાવે છે. હવે આના પરથી શું અનુમાન લગાવી શકાય? કે આપણી પ્રજા હજારો વર્ષ પહેલાં પણ ત્યાં સ્પેનમાં અને ફ્રાન્સમાં વસતી હશે. બસ, તો વિન્ટરની સિઝન પૂરી થાય એ પહેલાં નીકળી જાઓ અને કુદરતી સાંનિધ્યમાં વર્તમાન સમયમાં ઈતિહાસની સફર કરતા આવો. |
Sunday, February 3, 2013
કુદરત સાથે ઈતિહાસની સફર વોટરફોલ્સ અને રોક પેઈન્ટિંગ્સથી લથબથ કૈમૂર પર્વતમાળાનો પ્રવાસ અવર્ણનીય બની રહેશે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment