ચાલો ફરવા
મદુરાઈ દક્ષિણ ભારતના સૌથી સુંદર શહેર તરીકે ઓળખાય છે. આ શહેર તામિલનાડુનું બીજું સૌથી મોટું શહેર છે. વૈગઈ નદીના કિનારે આવેલું આ શહેર તેનાં પ્રવાસન સ્થળો માટે ભારતમાં જ નહીં, પણ દુનિયાભરમાં વિખ્યાત છે.
- મદુરાઈનું મીનાક્ષી મંદિર વિશ્વપ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિર તેના બાંધકામની ઢબને કારણે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.
- આ શહેર પ્રાચીન સમયમાં અલગ અલગ નામોથી ઓળખાતું હતું. જેમ કે, કૂડલ માનગર, થૂંગા નગરમ્, મલ્લિગઈ માનગર (મોગરાનું શહેર) અને થિરુવિજહા નગરમ્ વગેરે પણ તેની ઓળખ હતી. આ ઉપરાંત એમ પણ મનાય છે કે મધુરાપુરીનું અપભ્રંશ થઈને હવે મદુરાઈ કહેવાય છે.
- મદુરાઈ શહેર 'એથેન્સ ઓફ ધ ઈસ્ટ' તરીકે પણ ઓળખાય છે, કેમ કે આ શહેરની વાસ્તુકલા અને નગરરચના પ્રાચીન એથેન્સ શહેર જેવી બેનમૂન અને ભવ્ય છે.
- આ શહેર ૨૫૦૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે. સુરુમલાઈ અને નાગામલાઈ નામના બે પહાડોથી ઘેરાયેલા આ શહેરનું તામિલનાડુ રાજ્યમાં વ્યાવસાયિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ રહેલું છે.
- તિરુમલાઈ નાયક પેલેસ મદુરાઈનાં પર્યટન સ્થળોમાંનું એક મહત્ત્વનું સ્થળ છે. મહેલમાં સાંજે ધ્વનિ અને પ્રકાશનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં રાજા અને તેમના શાસનની વાતો કરવામાં આવે છે. અહીંની મુલાકાત લેતા પ્રવાસીઓમાં આ શોનું વિશેષ આકર્ષણ જોવા મળે છે.
- વૈગઈ ડેમ મદુરાઈથી ૭૦ કિમી દૂર આવેલો છે અને ડેમની આસપાસનો વિસ્તાર પિકનિક સ્પોટ તરીકે વિકસાવાયો છે.
- આ સિવાય શહેરથી થોડા દૂરનાં પર્યટન સ્થળોમાં પેરિયાર અભયારણ્ય અને કોડાઈ કેનાલનો સમાવેશ થાય છે. પેરિયાર અભયારણ્ય મદુરાઈથી ૧૫૫ કિમીની દૂરી પર આવેલું છે જ્યાં હાથી મોટી સંખ્યામાં જોવા મળે છે. જ્યારે કોડાઈ કેનાલ મદુરાઈથી ૧૧૯ કિમીના અંતરે આવેલી છે. આ કોડાઈ કેનાલ હિલ સ્ટેશન જેવી સુંદરતા ધરાવે છે.
- મદુરાઈ શહેર ભારતનાં મોટાં શહેરો સાથે વેલ કનેક્ટેડ હોવાથી ભારતના કોઈ પણ સ્થળેથી રેલ મારફત કે હવાઈ માર્ગે જઈ શકાય છે.
|
No comments:
Post a Comment