પ્રવાસ - ડો. ભારતી રાણે
ક્રેટર, કોતર અને કુદરતી કારીગરીનો પ્રદેશ
યુરોપ, એશિયા, આફ્રિકા, મડાગાસ્કરથી અહીં આવી વસેલા અલગઅલગ જાતિના લોકોની એકતા અને પરસ્પર આદરભાવના અજોડ છે
મોરેશિયસમાં પહેલે દિવસે તો મનમાં હતું કે માત્ર ૪૨ માઈલ લાંબા ટાપુમાં ફરી વળતાં કેટલી વાર? પણ ત્યાં ફરતા ગયા તેમ તેમ એનાં અજાણ્યાં રૂપ ઊઘડતાં ગયાં. દ્વીપના દક્ષિણ ભાગમાં ટ્રાઉ ઓક્સ સર્ફ નામનું શાંત થઈ ગયેલા જ્વાળામુખીનું મુખ છે. ઘેઘૂર વૃક્ષોથી છવાયેલા આ ૨૭૯ ફીટ ઊંડા અને ૬૫૬ ફીટ પહોળા ક્રેટરની વચ્ચે નાનકડું તળાવ રચાયું છે. કહે છે કે અંદરખાનેથી આ જ્વાળામુખી છેક રિયુન્યો ટાપુના પેટાળ સાથે જોડાયેલો છે.
ટેકરીની તળેટીમાં ક્યોરપીપ નામનું ગામડું છે. ક્યોરપીપના નિવાસીઓની કલાકારીગરી બેનમૂન છે. મોરેશિયસના અજાણ્યા કિનારે નાંગરેલાં વિખ્યાત વહાણોની પ્રતિકૃતિ, કારીગરોએ એમાં કંડારેલી નાની-નાની વિગત બધું અદ્ભુત છે. દક્ષિણ મોરેશિયસમાં ગ્રાન્ડ બેઝિન નામે ઓળખાતી જગ્યાએ ટેકરીઓની વચ્ચે તળાવ છે. હિન્દુઓએ અહીં શિવમંદિર બાંધ્યું છે અને એની સામે નાનકડી ટેકરી પર હનુમાનજીનું મંદિર છે. ગંગાનું પાણી લાવીને આ તળાવમાં વિધિવત્ રેડવામાં આવ્યું, ત્યાર પછી એને ગંગા તલાઓ(તળાવ) કહેવાય છે અને એ ગંગા જેવું પવિત્ર મનાય છે. મહાશિવરાત્રિએ અહીં ભક્તોનો મેળો લાગે છે. ત્યારે જેમણે ક્યારેય ભારત ન જોયું હોય તેવા ક્રિયોલભાષી લોકો એમની ભાષામાં શિવભક્તિ કરે છે!
મોરેશિયસનાં ગામડાંઓમાં ફરતાં જોયું કે મકાનોમાંથી ઘણા ખરા આંગણામાં એક ઓટલો હોય, જેના ઉપર હનુમાનજીની મૂર્તિ મૂકેલી હોય અને એટલા ઉપર ખોસેલી ઊંચી લાકડી પર લાલ-સફેદ ધજા ફરફરતી હોય, સાથે તુલસીક્યારો પણ ખરો! લોકો જરાક શામળા અને સાદા હતા. ભારતીય જેવાં દેખાતાં અને ગુજરાતી ઢબથી સાડી પહેરેલાં એક બહેન સાથે હિન્દીમાં વાત કરવા પ્રયત્ન કર્યો, ત્યારે ખબર પડી કે એમને હિન્દી આવડતી નહોતી, તેઓ ફ્રેન્ચ અથવા ક્રિયોલ જ સમજી શકતાં હતાં! એશિયનોનો પ્રભાવ ત્યાં એટલો વધ્યો છે કે સંજોગવશાત્ યુરોપ, એશિયા, આફ્રિકા, મડાગાસ્કરથી અહીં આવી વસેલા અલગઅલગ જાતિના લોકોની એકતા અને પરસ્પર આદરભાવના અજોડ છે. અલગ અલગ સંસ્કૃતિઓમાંથી વિકસેલો સૌનો સહિયારો વારસો છે. અલગ અલગ મૂળના આ લોકો વચ્ચે રોટીબેટીનો નાતો છે. સૌની સહિયારી ભાષા છે, ક્રિયોલ અને સૌની સહિયારી ઓળખાણ છે, મોરેશિયન જે હોવાનું અહીં વસતા સૌને ગોરવ છે.
મોરેશિયનો ખોરાકને સુંદર રીતે સજાવીને પીરસવાની કળામાં માહેર છે. આખા ટાપુ પર ફળો તો ભરપૂર મળે. પોર્ટ લુઇસની ફ્રૂટ માર્કેટમાં પાઇનેપલ, કેળાં, સફરજન, કેરી, લીચી, પેશન ફ્રૂટ અને તરહ તરહનાં શાકભાજીની આકર્ષક સજાવટ જોવી એ પણ એક લહાવો છે. દરિયાકિનારાની કોઈ રેસ્ટોરાંમાં સાત વર્ષની ઉંમરના પામવૃક્ષને વધેરીને એના ગરમાંથી બનાવેલું ખાસ રિફ્રેશિંગ સલાડ-કોયુર દે પામિસ્તે ઉર્ફે મિલિયોનેર સલાડ સાથે સ્મોક કરેલી મરલીન માછલી, બાફેલા ચોખા સાથે વેનિસન કરી અથવા થીમ બાર્બેક્યુ સાથે પારંપરિક નૃત્યો તમે માણી શકો! અને જો તમે શાકાહારી હો ને હોટેલમાં ખાવું ન હોય તો, લારી પર કે કેબિન જેવી ઘુમટી પર આપણાં દાળવડાં જેવાં લીલાં મરચાં અને વટાણાની દાળનાં 'ગેટોક્સ પિમેન્ટ્સ' નામનાં ભજિયાં અથવા 'ધોલ્લ-પુરી' નામના ટામેટાંના રસમાં બનાવેલા મસાલેદાર પુડલા ખાઈ શકો!
ગંગા તલાઓથી થોડે દૂર પ્રવાસીઓ સાત રંગની ધરતી જોવા શેમરેલ નામના સ્થળે જાય છે. જ્વાળામુખીએ અહીં ધરતીમાં રંગોળી પૂરી છે. આમ તો આંખ ખુલ્લી રાખીએ તો આ પ્રદેશની જમીન પર આછા રંગોની બિછાત ઠેરઠેર જોવા મળે, પણ શેમરેલ પર એ જરાક વધારે સ્પષ્ટ દેખાય છે. શેમરેલની બંજર ભૂમિ છોડી, પવનમાં ડોલતાં શેરડીનાં ખેતરો વટાવતાં હરિયાળા ઊંચાણો તરફ જતાં બ્લેક રિવર ગોર્જ નામનું સ્થળ મળે. ઊંડી કરાડ કોતરતી બ્લેક નદી ટેકરી પરથી નીચે ધોધમાર પછડાતી સાગરને મળે છે, તે સ્થળે નાનકડું જંગલ છે. પક્ષીઓનાં આ અભયારણ્યમાં કેટલીક લુપ્ત થતી જતી પ્રજાતિનાં દુર્લભ પક્ષીઓ જેવાં કે, ઈકો પેરેકિટ, મોરેશિયન પિન્ક પિજિયન, કેસ્ટ્રેલ વગેરે જોવા મળે છે અને મોરેશિયસના નિવાસી પક્ષીઓ- કક્કૂ શ્રાઇક નામની કોયલ, ફલાય કેચર, મોરેશિયસ બ્લેક બર્ડ અને મોરેશિયન એર લાઇન્સના લોગોમાં દેખાય છે. તે જાજરમાન પેલિ-એન-ક્વે તો અહીં પાર વગરનાં છે.
No comments:
Post a Comment