Friday, December 14, 2012

નહેરુ પ્લેસ વિશ્વના સૌથી ૩૦ કુખ્યાત આઈટી માર્કેટ્સમાં


વોશિંગ્ટન, તા. ૧૪
પાઇરેટેડ સામગ્રી વેચનારાં માર્કેટ્સમાં ચીન મોખરે
દેશની રાજધાનીનાં સૌથી જાણીતાં નહેરુ પ્લેસ માર્કેટનો વિશ્વના ૩૦ કુખ્યાત ઇન્ફર્મેશન ટેક્નોલોજી(આઇટી) માર્કેટ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ માલસામગ્રીના સોદા તથા તેની સેવાઓમાં બૌદ્ધિક સંપદા અધિકારોના ઉલ્લંઘન કરનારા કુખ્યાત આઇટી માર્કેટ્સની યાદી યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ્ઝ(યુએસટીઆર) દ્વારા જાહેર કરવામાં આવી છે. આ માર્કેટ્સમાં પાઇરસી અને સોફ્ટવેર સહિત ઘણી ચીજવસ્તુઓની નકલ વેચવામાં આવે છે.
યુએસટીઆરએ તેના એક અહેવાલમાં કહ્યું છે કે, ભારતભરનાં મોટાં શહેરોમાં ઘણાં માર્કેટ્સ એવાં છે કે જેમાં મોટા પ્રમાણમાં પાઇરેટેડ સોફ્ટવેર, મૂવી, મ્યુઝિકની સામગ્રીમાં તેની નકલ વેચવામાં આવે છે. નહેરુ પ્લેસ તેમાંનું એક છે, તેને પાઇરેટેડ પ્રોડ્ક્ટ્સ વેચનારાં ઇન્ટરનેટ અને સામાન્ય માર્કેટ્સમાં સામેલ કરાયું છે.
આ સિવાય યુએસટીઆરે તેની યાદીમાં ચીનનાં લોકપ્રિય ઓનલાઇન માર્કેટ બાયનાઉ પીસી મોલ્સ, બેઇજિંગના સિલ્ક માર્કેટ, યિવુમાં નાનાં કોમોડિટી માર્કેટ્સ, પુટિયાનનું ફ્યુઆન ફૂટવેર અને એસેસરીઝ માર્કેટ, કરાચી અને લાહોરનાં ઉર્દૂ બજારોનો પણ સમાવેશ કર્યો છે, જેઓ માલસામગ્રીના સોદામાં નિયમોનું ઉલ્લંઘન કરી સામગ્રીની નકલો વેચે છે. આ યાદીમાં ચીન સૌથી મોટું કુખ્યાત માર્કેટ્સમાં મોખરે છે. ખાસ કરીને ચીનની બાયનાઉ પીસી મોલ્સ, જે ૨૨ સ્ટોર ચલાવે છે, તે ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર અને પ્રી-ઇન્સ્ટોલ્ડ સોફ્ટવેરનું ગેરકાયદે વેચાણ કરવા માટે જાણીતી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઓનલાઇન વેચાણ અને નકલી સામગ્રીમાં ગરબડ કરવાથી અમેરિકાની અર્થવ્યવસ્થાને નુકસાન થાય છે. નકલી સામાન વેચવાથી આ દેશનાં કેટલાંક નવીન એકમો તથા કંપનીઓ અને મધ્યમવર્ગી અમેરિકન વર્કર્સના રોજગારને અસર થઈ રહી છે. યુએસટીઆર ૨૦૦૬થી કુખ્યાત માર્કેટ્સની ઓળખ કરી રહ્યું છે.

No comments:

Post a Comment