Thursday, December 20, 2012

બર્મુડા ટ્રાયેંગલ એક ખોફનાક કોયડો

Dec 15, 2012
બર્મુડા ટ્રાયેંગલમાં છેલ્લાં ૫૦૦ વર્ષથી જહાજો અને છેલ્લી સદીથી વિમાનો ભેદી રીતે લાપતા બની જાય છે, જાણે કે દરિયો એને ગળી જાય છે. જહાજો કે વિમાનોનાં નામનિશાન સુધ્ધાં મળતાં નથી. વિજ્ઞાનીઓ પણ આનો ભેદ ઉકેલી શક્યા નથી. બર્મુડા ટ્રાયેંગલ જળસફર માટે અને એના પરના હવાઈ ઉડ્ડયન માટે શા માટે ખતરનાક ગણાય છે, એ આજે પણ રહસ્ય છે
બર્મુડા ટ્રાયેંગલને ડેવિલ્સ ટ્રાયેંગલ એટલે કે શેતાનના ત્રિકોણ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ત્રિકોણીય પ્રદેશ પ્યુર્ર્ટો રિકો,મિયામી અને બર્મુડા વચ્ચે આશરે ૫ચ લાખ ચોરસ માઈલના વિસ્તારમાં પથરાયેલો છે. આ ટ્રાયન્ગલના નૈઋત્ય ખૂણામાં દરિયાની અંદર ૩ કિમી દૂર એવું સ્થળ આવેલું છે, જ્યાંથી કેટલાંયે જહાજ અને હવાઈ જહાજ અદૃશ્ય થઈ ગયાં છે. આ સમુદ્રી વિસ્તારમાં લક્ઝરી પ્રવાસી નૌકાઓ ખારા દરિયાના ઊંડા જળમાં ગેબી રીતે અદૃશ્ય થઈ ગયાના બનાવ બન્યા છે. આ બર્મુડા ટ્રાયેંગલમાં અમેરિકી નૌકાદળનું ૫૦૦ ફીટ લંબાઈનું યુએસએલ સાયક્લોપ્સ નામનું યુદ્ધ જહાજ અલોપ થઈ ગયું, એ સૌથી વધુ ચકચારી ઘટના છે. એ જહાજ ૩૦૬ ઉતારુઓ અને ચાલકોને લઈને અદૃશ્ય થઈ ગયું હતું. છેલ્લાં ૧૦ જ વર્ષમાં આ બર્મુડાના શેતાની જળપ્રદેશમાં ૧૧૦૦ લોકોએ જીવ ખોયા છે.
આ બર્મુડા ટ્રાયેંગલ આપણા મનમાં જાતજાતની ભીતિઓ અને ખોફની સાથે આવું કેમ થાય છે, એ અંગે તર્કવિતર્ક પણ પેદા કરે છે. આ જળપ્રદેશના ઘેરાવામાં આવતાં જ આકાશમાં ઊડતાં વિમાનો પાતળી હવામાં અદૃશ્ય થઈ જાય છે. તે જહાજો એવી રીતે અદૃશ્ય થઈ જાય છે કે એનો કોઈ અવશેષ પણ જોવા મળતો નથી. અંગ્રેજીમાં એને ડેવિલ્સ ટ્રાયેંગલ એટલે કે શેતાનનો ત્રિકોણીય જળપ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, જે બર્મુડા ટ્રાયેંગલ પણ કહેવાય છે. આ શેતાની જળપ્રદેશમાં કોઈ વિમાન કે કોઈ જહાજ લાપતા ન બન્યું હોય એવો એક મહિનો પણ ખાલી જતો નથી.
આ બર્મુડા ટ્રાયેંગલમાં જહાજો, મનુષ્યો લાપતા થવાના રહસ્યમય બનાવોનો સિલસિલો આજનો નહીં, પણ છેક ૫૦૦ વર્ષ પુરાણો છે. આ ઘટનાઓ માટે એક કારણ એવુંય અપાય છે કે સમુદ્રમાંથી નીકળતા મિથેન ગેસના પરપોટાઓને લીધે જહાજો, વિમાનો ભરખાઈ જાય છે. સમુદ્રી જીવસૃષ્ટિનાં મૃત્યુ પછી એના સડવાથી હજારો વર્ષથી સમુદ્રની અંદરની સપાટી પર એકત્ર થયેલા મિથેન ગેસના ઢગલા સંશોધકોએ શોધી કાઢયા છે. સામાન્ય સંજોગોમાં તો મિથેન ગેસ જેમનો તેમ પડયો રહે છે, પણ આ સમુદ્રી વિસ્તારમાં સમુદ્રની અંદર ભેખડો ધસી પડવાના બનાવ બનતા રહે છે. જેનાથી મિથેન ગેસના ફુવારા ઉપર વછૂટે છે. આ અંગે વૈજ્ઞાનિક થિયરી એવી છે કે મિથેન ગેસના પરપોટા સમુદ્રની જળસપાટી પર આવતાં જળની ઘનતા ઘટી જાય છે અને પરિણામે સપાટી પર તરતાં કોઈ પણ જહાજ કે અન્ય પદાર્થ ખોફનાક રીતે અંદર ઊતરી જાય છે.
જોકે, મિથેન ગેસને કારણે જહાજો, વિમાનો બર્મુડાના ત્રિકોણીય પ્રદેશમાં લાપતા થતાં હોવાની માન્યતાને પૂરતું સમર્થન મળતું નથી. વિજ્ઞાનીઓએ પ્રયોગ કરીને મિથેન ગેસના જબરદસ્ત ફુવારા ઉપર ૨૫ ફીટ લંબાઈની નૌકા તરતી મૂકી તો એ જળભંડારમાં ડૂબી નહોતી, એથી બર્મુડા ટ્રાયેંગલનું રહસ્ય ભેદ-ભરમવાળું થયું છે.
આ શેતાની જળપ્રદેશમાં ખતરનાક ને ખોફનાક સમુદ્રી મોજાંઓને કારણે કદાચ જહાજોનું દરિયામાં નામોનિશાન મટી જતું હોય એવી ધારણા બાંધવામાં આવી, પણ એ માન્યતાને પૂરતું બળ મળતું નથી. આ ખોફનાક જળપ્રદેશમાં ૧૦૦થી વધુ વિમાનો લાપતા થયાના બનાવ નોંધાયા છે. એને અને ખતરનાક દરિયાઈ મોજાંઓને કંઈ લેવા દેવા નથી, કેમ કે વિમાનો આકાશમાં ઊડતાં હોય છે ને મોજાં નીચે દરિયાઈ સપાટી પર ઘૂઘવતાં હોય છે. અહીં માત્ર એક અપવાદ થયો છે કે લશ્કરના ડૂબકીમાર જો ફેરેલે શેતાની ટ્રાયેંગલમાં ડૂબકી લગાવી હતી, પણ બધાની ધારણા મુજબ એ દરિયામાં લાપતા થવાને બદલે જીવિત અવસ્થામાં બહાર આવ્યો હતો, પરંતુ બધાં જહાજ ને બધાં વિમાન જો ફેરેલે જેવાં સદ્ભાગી નથી હોતાં.
વૈજ્ઞાનિક પ્રયોગોમાં એક એવું પણ તારણ કઢાયું છે કે આકાશમાં થતી ઘાતક વીજળીને લીધે વિમાનોનો નાશ થવાથી એ સમુદ્રમાં રાખ બનીને લાપતા થતાં હોવાની એક શક્યતા છે, પણ આ એક શક્યતા છે. આખરી તારણ પર કોઈ આવી શક્યું નથી.

No comments:

Post a Comment