Sunday, August 5, 2012

અલૌકિક સૌંદર્ય ધરાવતું પાંગી (ટ્રાવેલ)


Aug 03, 2012

ટ્રાવેલ - બીજલ
હિમાચલના ચંબા જિલ્લામાં આવેલું 'પાંગી' દેશ- વિદેશના પ્રવાસીઓને પોતાના આગવા સૌંદર્યથી પ્રભાવિત કરે છે. પાંગીની ખીણ દુર્ગમ, સુંદર, પ્રાકૃતિક અને શાંત છે.
હિમાચલ પ્રદેશની ઉત્તર પશ્ચિમ દિશામાં પાંગી આવેલું છે. આ વિસ્તાર આશરે ૧૬૦૦ ચો.મી. જેટલો છે અને હિમાલયના ઝાંસ્કર અને પીર-પાંજલની વચ્ચે આવેલો છે. મોટી ખીણમાંથી વહેતી ચંદ્રભાગા નદી કે જે આગળ જતાં ચીનાબ તરીકે ઓળખાય છે. તે લાહોલથી નીકળીને અહીં વહે છે. તે પાંગીના બે અસમાન ભાગ પાડે છે. અહીંના ખડકો ક્યાંક સીધા, હજારો ફૂટની ઊંચાઈ ધારણ કરીને ઊભેલા દેખાય છે. ખીણને વીંટીને ઊભેલા પહાડો ૫૪૦૦થી ૬૭૦૦ મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. પહાડોની ગોદમાં વસેલા ગામડાં ગામડાં પણ ૨૧૦૦થી ૩૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલા છે. ચંદ્રભાગા નદીની જમણી તરફના કિનારે 'કિલર' નામની વસાહત મુખ્ય વહીવટી કાર્યાલય છે. પાંગીની અન્ય ખીણો, સુરલ, સાઈચુ, કુમાર-પરમાર અને હુડન છે. હવે તો આ બધી જગ્યાઓ સડક-માર્ગોથી જોડાઈ ગઈ છે. જૂના વેપાર-માર્ગો તો હજી પણ હયાત છે. અને તે માર્ગો જમ્મુ કાશ્મીરના લડાખની ઝાંસ્કર-વેલી સાથે પાંગીને જોડે છે.
પાંગી જંગલોથી ભરેલું છે. તેમાં પાઇન, ઓક અને દેવદાર જેવા અનેક વૃક્ષો છે. સુરલ જેવી ખીણમાં તો બર્ચના જંગલો છે. જેના પાન 'ભોજપત્ર' તરીકે ઓળખાય છે. આ જંગલોની જીવસૃષ્ટિમાં આઈબેક્સ, સ્નો-લેપાર્ડ, હિમાલયન થર, મસ્ક- ડિયર (કસ્તૂરી) મૃગ, બ્લેક- બેર, બ્રાઉન- બેર, ભારલ વગેરેનો સમાવેશ થાય છે. પક્ષીઓમાં વિવિધ પ્રકારના તેતર, હિમાલયન, ટ્રેગોપાન, સ્નો-પિકોક, સ્નો-પીજિયન અને ચકોર જોવા મળે છે. 'ધ સાઇચુ ત્વાન નાલ્લાહ એ અહીંનું જાણીતું અભયારણ્ય છે.
પાંગીના લોકો
પાંગીના લોકો ઘણીવાર 'પંગવાલ્સ' તરીકે ઓળખાય છે. તેઓની વસતી આશરે ૧૮૦૦૦ છે. અહીંના લોકો નાનકડા, વિખરાયેલા ગામોમાં વસે છે. તેઓનું મૂળ હજી સુધી જાણી શકાયું નથી. એક લોકવાયકા આવી છે કે એક આક્રમણ દરમિયાન સ્ત્રીઓને પાંગીમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી હતી. ત્યારબાદ તે લોકો અહીં જ વસી ગયા અને પાંગીની વસાહત અસ્તિત્વમાં આવી. અન્ય એક માન્યતા એવી છે કે ચંબા દરબારે તેમના ગુનેગારોને દેશનિકાલ કરીને અહીં રાખ્યા હતા. જેઓ આગળ જતાં અહીં વસી ગયા.
પાંગીના લોકો ખેતી અને પશુપાલન કરે છે. ઋતુઓ અનુસાર વાવણી અને લણણી થાય છે. ભૌગોલિક એકલતા અને વિષમ આબોહવાને કારણે અહીંના લોકો સ્વાભાવિક રીતે અંતર્મુખી અને શાંત છે. ખીણમાં હિન્દુ અને બૌદ્ધ ધર્મનું અનુસરણ થાય છે. અન્ય પહાડી વિસ્તારોની જેમ જ અહીં દેવી- દેવતાઓનો મહિમા ખૂબ છે. પાંગીના મુખ્ય ગામો 'ભાટોરીઝ' તરીકે ઓળખાય છે. ત્યાંના લોકો ભોટ્સ કહેવાય છે. આ લોકો મુખ્યત્વે બૌદ્ધ ધર્મ પાળે છે. તેઓનો દેખાવ તિબેટો- મોન્ગોલિયન' હોય છે. પાંગીના પાંચ આવા ક્ષેત્રો ચાસ્ક-ભાટોરી, હિલ્લુ- ત્વાન- ભાટોરી, પરમાર- ભાટોરી, હુડન- ભાટોરી અને સુરલ- ભાટોરી છે. સંગીત, નૃત્ય અને સ્થાનિક દારૂ 'પાતર' પંગવાલ્સના જીવનનો મહત્ત્વનો ભાગ છે. ફેબ્રુઆરીના અંતમાં ઊજવાતો તહેવાર 'જુકારુ' તેઓનો મહત્ત્વનો તહેવાર છે. આકરો શિયાળો ગયા બાદ ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરવા આ તહેવાર ઊજવવામાં આવે છે.
વિષમ આબોહવા, દુર્ગમ પહાડી, ચીજ-વસ્તુઓની ઉપલબ્ધતાની તકલીફો, સહકારની જરૂરિયાત વગેરેને કારણે પાંગીમાં સમૂહ-જીવન અને અનોખી પ્રજા સિસ્ટમ અસ્તિત્વમાં આવી છે. દરેક ઘરના વડીલને આ કાઉન્સિલમાં સ્થાન આપવામાં આવે છે. આ સંસ્થા પાંગીના સમાજ જીવનમાં મોટો ભાગ ભજવે છે.
જોવાલાયક સ્થળો
કિલ્લર
પાંગીમાં કોઈ શહેરી વિસ્તાર નથી. અહીં બધું જ ગ્રામ્ય છે. ગામોના સમૂહમાં કિલ્લર વહીવટી કેન્દ્ર છે. અહીં કેટલીક સરકારી કચેરીઓ છે. દુકાનોની સંખ્યા અહીં હવે વધતી જાય છે.
દેતનાગ
દેતનાગનું મંદિર કિલ્લર ખાતે આવેલું છે. એવી માન્યતા છે કે દેત-નાગની મૂળ સમાધિ લાહોલમાં હતી અને ત્યાં આ દેવ મનુષ્ય બલી માંગતા હતા. એકવાર એક વિધવાના એકમાત્ર પુત્રનો વારો હતો. એક પસાર થતાં ગોવાળિયાએ તે વિધવાની દયા ખાઈને તેના પુત્રને બદલે પોતાની આહુતિ આપવાની તૈયારી બતાવી. તેણે મૂકેલી શરતોને દેત- નાગ પાળી શક્યો નહીં. બંને વચ્ચે પ્રચંડ યુદ્ધ થયું. ગોવાળિયાએ દેત-નાગને ચંદ્રભાગા નદીમાં વહાવી દીધો. જ્યાંથી તે કિલ્લર પહોંચ્યો અને મરણ પામ્યો તે જ્યાં મરણ પામ્યો તે સ્થળે તેની સમાધિ બની.
ધારવાસ
કિલ્લરથી નવ કિલોમીટર દૂર આવેલું આ ગામ પાંગીનું સૌથી મોટું ગામ છે. અહીંનું તિલમિલિ નામનું ઝરણું તેમાંના ખનિજતત્ત્વોને કારણે પ્રખ્યાત છે. એવી માન્યતા છે કે આ ઝરણાંનું પાણી ચંબાના રાજાને નિયમિત રીતે મોકલવામાં આવતું હતું. અહીંની આસપાસના જંગલોમાં હેઝલ-નટ્સ અને પાઈન-નટ્સ (ચીલગોઝા) થાય છે.
સુરલ- વેલી
ધારવાસથી બાર કિલોમીટર ઉત્તર- પૂર્વમાં આવેલી આ તળેટી પાંગીની અનેક તળેટીઓમાંની એક છે. તેમાં કાનવાસ, ગનવાસ, રૂસમ્સ, સુરલ તાઈ અને સુરાલ ભાટોરી જેવા ગામો આવેલા છે. સુરાલ ભાટોરીના ભોટ લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. આ વિસ્તારમાં જંગલી ફૂલો અને વનસ્પતિ પુષ્કળ છે. પિલિંગ- બર્ચના ઝુંડ અહીં છે. જેના ભોજપત્રો જૂના જમાનામાં લખવા માટે વપરાતા હતા.
હુડનવેલી
કિલ્લરથી આઠ કિલોમીટર પૂર્વમાં આવેલી આ તળેટીમાં સેરી ભાટવાસ ટુન્ડ્રો, ઇછવાસ અને હુડન ભાટોરી ગામો આવેલા છં. ભાટોરીની નજીક પ્રખ્યાત નાગની સ્પ્રિંગ છે. અહીંથી રળિયામણાં દૃશ્યો જોઈ શકાય છે.
પરમાર વેલી
પરમાર વેલીમાં 'કુમાર પરમાર' અને 'પરમાર ભાટોરી' ગામો આવેલા છે. 'પરમાર ભાટોરી' પાંગીની ઊંચી વસાહતોમાંની એક છે.
સાઈચુ વેલી
આ તળેટીમાં કુથઈ, હિલ્લોર, સાહલી અને સાઈચુ ગામો આવેલા છે. સાઇચુ ત્રણ નદીઓનાં સંગમને કારણે મહત્ત્વ પામ્યું છે. હિલ્લુત્વાન- નાલ્લા, ચાસક,નાલ્લા અને સાઇચુ- નાલ્લાના પ્રવાહો અહીં મળે છે. ઊંચાઈ પર ભોટ લોકોના ઘરો છે. ચાસક ભાટોરીની આસપાસ બર્મના વૃક્ષો ઘણાં છે.
મીંઢલ
કિલ્લરની દક્ષિણમાં બાર કિલોમીટરના અંતરે મીઢલ ગામ આવેલું છે. અહીં મીંઢલ દેવીનું મંદિર છે. આ દેવી એક સ્ત્રીના રસોડામાં કાળી શીલા સ્વરૂપે પ્રગટ થયા હતાં. તે જ સ્થળે આ મંદિર બન્યું છે.
શૌર
લાહોલની હદ પાસે આવેલું પાંગીનું આ છેલ્લું ગામ છે. શૌરની નદી પર ઝૂલતો પુલ છે. આ પુલ નાના વૃક્ષોની ડાળીઓ વગેરેમાંથી બન્યો છે.
સિંધકા દેશ
વાંકાચૂંકા રસ્તાવાળા આ સ્થાન પર સિંધ દેવતાનું મંદિર છે. મંદિરમાં ઘણી કોતરણી છે. બહારના ભાગમાં તે ઘંટડીઓ અને પ્રાણીઓનાં શીંગડાથી સજાવવામાં આવ્યું છે.
ચેરી બંગલો
કિલ્લરથી ચૌદ કિલોમીટરના અંતરે, ચંદ્રભાગાના જમણાં કિનારા પર આવેલું આ એક સુંદર રેસ્ટહાઉસ છે.
મેળા અને તહેવારો
લોકોથી દૂર રહેલાં આ પ્રદેશના લોકો અંતર્મુખી હોવાને કારણે સામાજિક મેળાવડા અને મનોરંજન પોતાની રીતે કરે છે. ભારતના બીજા પ્રદેશોમાં ઊજવાતા વાર- તહેવારનું અહીં કોઈ મહત્ત્વ નથી.
ઝુકારૂ
પાંગીનો આ સૌથી મહત્ત્વનો તહેવાર છે. પાંગીના તમામ લોકો આ તહેવારમાં જોડાય છે. ઉજવણી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય છે. પૂર્ણાહુતિ એક મહિના પછી થાય છે. શિયાળાના અંતે ઊજવાતા આ તહેવારમાં નૃત્ય, સંગીત, વાતાવરણને આનંદથી ભરી દે છે. કડકડતી ઠંડીનો સમય પસાર થઈ ગયો તેના આનંદમાં આ તહેવાર આ સમયે ઊજવવામાં આવે છે.
ફૂલ-જાત્રા
દેહાંત- નાગ નામના દેવતાની યાદમાં આ તહેવાર ઓક્ટોબર- નવેમ્બરમાં ઊજવવામાં આવે છે. ચાર દિવસના આ તહેવારમાં સ્ત્રી- પુરુષો, બાળકો એમ સૌ કોઈ જોડાય છે. સંગીત, નૃત્ય અને મિજબાનીનો આનંદ સૌ કોઈ લે છે.
શીલ
વસંત ઋતુના આગમનને વધાવતો આ તહેવાર છે. કાંતણકામ કે જે શિયાળામાં અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે તે આ સમય દરમિયાન બંધ રાખવામાં આવે છે.
કેવી રીતે પહોંચશો?
પાંગી સુધી ફક્ત સડક-માર્ગે જ જવાય છે. ચંબા અને ચુરાથી રસ્તો જાય છે. ચંબાથી આ સૌથી ટૂંકો રસ્તો છે. કિલ્લરથી ૧૭૦ કિલોમીટરનું અંતર છે. જો કે વરસના મોટાં ભાગના સમયમાં આ માર્ગ બરફથી આચ્છાદિત હોય છે. ઉનાળાના સમયમાં તે ખુલ્લો હોય છે. જો કે ઉનાળાના સમયમાં પણ આ માર્ગ કપરો તો છે. હિમપ્રપાત થવાનું જોખમ હંમેશા હોય છે.
લાહોલથી જાઓ તો કોલોન્ગથી ઉદેપુર, રોહલી, શૌર અને પુરથી થઈને પાંગી જવાય છે. નાના, મજબૂત વાહનો ગરમીની ઋતુમાં અહીંથી જઈ શકે છે. કેલોન્ગથી કિલ્લર સુધીનું અંતર ૧૩૧ કિલોમીટર છે.
નજીકના જમ્મુ અને કાશ્મીરના રાજ્યમાં કિસવારથી જતાં માર્ગ પર વાહનમાં અને પગપાળા જઈ શકાય છે. અહીંથી ૧૧૬ કિ.મી.નું અંતર છે.
પાંગી જતાં રસ્તા બંધ થઈ જાય ત્યારે ક્યારેક હેલિકોપ્ટરની સેવા મળી રહે છે.
પાંગીમાં કોઈ હોટલ્સ કે ગેસ્ટહાઉસ નથી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પબ્લિક- વર્કસના તેમજ પબ્લિક હેલ્થના રેસ્ટ હાઉસ અહીં ઉપલબ્ધ છે. પરંતુ પાંગી જવાના માર્ગ પર બધી જ સુવિધા ઉપલબ્ધ છે.
પાંગીમાં આબોહવા મધ્યમથી ઠંડી હોય છે. તેથી યોગ્ય પ્રકારના વસ્ત્રો સાથે લેવા તે જરૂરી છે. ભોજન પણ સ્થાનિક હોય છે. દવાઓ સાથે રાખવી જરૂરી છે.
ચંબા
પાંગી તરફ લઈ જતું આ એક પ્રાચીન પ્રવેશદ્વાર છે. હિમાચલ- પ્રદેશનું ઉત્તર પશ્ચિમમાં આવેલું આ સ્થળ રજવાડી હતું. તે છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું મનાય છે. ચંબા રાજયનું કેન્દ્ર 'બ્રહ્મોર' હતું. રાજ્યના વિસ્તરણ પછી આઠમી સદીમાં બીજું પાટનગર બનાવવામાં આવ્યું હતું. દસમી સદીમાં રાજા સાહિલ વર્મને તેને જ પોતાનું મુખ્ય નગર બનાવ્યું હતું.
ચંબા નામ ચંપક વૃક્ષ પરથી અથવા રાજા સાહિલ વર્મનની સુંદર રાજકુમારી ચંપાવતીના નામ પરથી પડયું હોય એમ જણાય છે. ચંબા પહાડોથી સુરક્ષિત હોવાના કારણે તેના પ્રાચીન અવશેષો અને લખાણો વગેરે યથાવત્ રહી શક્યા છે. આશરે સોળમી સદીમાં દેશના બીજા ભાગો સાથે ચંબાનો સંપર્ક વધ્યા બાદ બનારસ, ઉજ્જૈન, ગયા અને બંગાળમાંથી કેટલાક સુશિક્ષિત કુટુંબો ચંબામાં જઈને વસ્યા. આ સમય દરમિયાન જ લક્ષ્મીનારાયણ જેવા અનેક મંદિરો જિર્ણોદ્ધાર પામ્યા.
રાજા પૃથ્વીસિંઘ
(ઈ.સ. ૧૬૪૧- ૧૬૬૪)
વીર અને દેખાવડા એવા આ રાજા મોગલ રાજા શાહજહાંના પ્રિય હતા. રાજા પૃથ્વીસિંઘે ઘણીવાર શાહજહાંના દરબારની મુલાકાત લીધી હતી. રાજા પૃથ્વીસિંઘે મોગલ દરબાર શૈલીનો પરિચય કરાવ્યો હતો. તેમણે મોગલ રાજપૂત કલા અને સ્થાપત્યનો પરિચય પણ ચંબાને કરાવ્યો હતો.
ચંબાના રાજાઓ બ્રિટિશ- રાજ સાથે પણ સારા સંબંધો ધરાવતા હતાં. તેનાથી કેટલાક ક્ષેત્રોમાં રાજ્યનો સારો વિકાસ થયો હતો. રાજા શામસિંઘ અને રાજા ભૂરીસિંઘ સ્વપ્નદૃષ્ટા હતા. તેઓએ રાજ્યની રચનાને નવું સ્વરૂપ આપ્યું હતું. ઈ.સ. ૧૯૦૮માં એક નાનકડું હાઈડ્રો ઇલેક્ટ્રિક યુનિટ શરૂ થયું હતું. એ જ સમયમાં પાઈપથી પાણી આપવાની વ્યવસ્થા શરૂ કરાઈ હતી. નવા સ્થપાયેલા હિમાચલપ્રદેશ રાજ્યમાં ચંબા ભળી ગયું હતું.
એક જ વંશનું રાજ્ય લાંબો સમય ધરાવનાર એક માત્ર રજવાડું ચંબાનું છે. રાજા મારુથી માંડીને છેલ્લા રાજા લક્ષ્મણસિંઘ સુધીનું શાસન ૬૭ રાજાનો ઈતિહાસ ધરાવે છે. આજે ચંબા તેનો ભવ્ય ઈતિહાસ દર્શાવતું ઊભું છે

No comments:

Post a Comment