Aug 17, 2012
ટ્રાવેલ - બીજલ
પર્વતરાજ હિમાલયના પૂર્વ છેડે આવેલું ભૂતાન- નેપાળ અને તિબેટની સરહદોથી જોડાયેલું સિક્કિમ કોઈ પણ સાહસિક પ્રવાસીનું સ્વપ્નધામ છે. આ નાનકડું સુંદર રાજ્ય વિશ્વવિખ્યાત ઉત્તુંગ શિખરો ધરાવે છે. અહીંની રળિયામણી ખીણો, બરફ ઓગળવાથી બનેલા સરોવરો, બૌદ્ધ મઠો વગેરે તેને અનોખી સુંદરતા અને આકર્ષણ આપે છે. કાંચનજંગા શિખર કે જે વિશ્વનું ત્રીજા ક્રમનું ઊચું શિખર છે તે અહીંની અજાયબી છે અને સિક્કિમમાં તેના પ્રત્યે પૂજનીય ભાવ જોવા મળે છે. પ્રકૃતિના ચાહકને સંતોષે એવું બધું જ સિક્કિમમાં છે. સુંદર વનરાજિ, ફૂલોનું વૈવિધ્ય, સુંદર સ્થળો અને સાહસિક રમતોની સુવિધા કોઈ પણ પ્રકારના પ્રવાસીને અહીં આવવા પ્રેરે છે. કાબ્રુ, કિરાત, ચુલિયર, પાંડિમ, નરસિંગ, તાલુંગ, સિનિયોલ્યુ, પો-હુનરી, સિમવો અને જોયુનો જેવા શિખરો સુંદરતા અને ભવ્યતામાં અજોડ છે.સિક્કિમના પર્વતો ટ્રેકર્સ, માઉન્ટેનિયર્સ, અને સાહસિકો માટે આદર્શ છે. જોન્ગરી અને ગોસેમલા જેવી ઊંચાઈ પર આવેલી ટ્રેક્સ ખૂબ રોમાંચક છે. સફેદ ફીણવાળા પાણીમાં રમાતી રમતો માટે તિસ્તા અને રંગીત નદીઓ શ્રેષ્ઠ છે. સિક્કિમ ટૂરિઝમના આયોજકો જાણીતા ટૂર ઓર્ગેનાઈઝર્સ મારફતે રિવર- રાફટિંગના પેકેજ આપે છે. આ ઉપરાંત માઉન્ટન બાઈકિંગ અને રોક- ક્લાઈંબિંગ માટે ઈન્સ્ટ્રક્ટર્સ સાથેની સુવિધા ઉપલબ્ધ છે. આ કામ ગંગટોકની માઉન્ટેઈનિયરિંગ ઈન્સ્ટિટયૂટ સંભાળે છે.
માઉન્ટન બાઈકિંગ
માઉન્ટન બાઈકિંગના અદ્ભુત, રોમાંચક અનુભવ માટે પેલિંગ અને રવાંગ્લા ક્ષેત્ર શ્રેષ્ઠ સ્થળ છે. તે બાગડોગરા એરપોર્ટ પાસેથી જ શરૂ થાય છે. તેને ઈચ્છા મુજબ આયોજી શકાય છે. સિક્કિમના મોટા ભાગના રસ્તા માઉન્ટન બાઈક્સને અનુરૂપ છે. આ મુસાફરી દરમિયાન આસપાસની વન્ય સૃષ્ટિ, સરોવરો વગેરે પ્રાકૃતિક દૃશ્યોના સુરમ્ય દર્શન કરી શકાય છે. ઉત્તર સિક્કિમ અને પશ્ચિમ સિક્કિમમાં માઉન્ટન બાઈકિંગ લોકપ્રિય છે.
રિવર- રાફટિંગ
સિક્કિમની સૌથી રોમાંચક એડવેન્ચર- સ્પોર્ટ એવું રિવર- રાફટિંગ તિસ્તા અને રંગીત નદીમાં કરવામાં આવે છે. તિસ્તા નદીના બંને કિનારા જંગલોથી ભરચક છે. તે રાફટિંગ કરનારાઓને સંપૂર્ણ તક આપે છે.
સમ્ગો લેક
૧૨૪૦૦ ફીટની ઊંચાઈએ આવેલું આ તળાવ ગંગટોકથી ચાળીસ કિલોમીટર દૂર છે. પહાડીઓ અને સરોવરનું સૌંદર્ય ચિરસ્મરણીય છે. આ શાંત સરોવર લંબગોળ આકારનું છે. તે એક કિલોમીટર લાંબુ અને પંદર મીટર ઊંડું છે. શિયાળામાં આ સરોવર થીજી જાય છે. મેથી ઓગસ્ટ મહિના દરમિયાન સરોવરની આસપાસ રોડોડેન્ડ્રન્સ, પ્રિમ્યુલાની વિવિધ જાતો ભૂરા અને પીળા પોપીઝ અને આઈરીંસ ઊગે છે. લાલ પાંડા અને વિવિધ પક્ષીઓનું તે નૈર્સિગક નિવાસસ્થાન છે.
યાક સફારી
અહીંના રોમાંચક પ્રવાસમાં યાક પર સવારી એ પણ એક માણવા લાયક અનુભવ છે. યાક-સવારી કરીને તમે ટ્રેકિંગ અને પ્રાકૃતિક દર્શનનો લહાવો લઈ શકો છો. જોન્ગરી વિસ્તાર અને સોમગો- લેક યાક-સવારી માટેના માનીતા સ્થળો છે.
હેન્ગ ગ્લાઈડિંગ
હેન્ગ- ગ્લાઈડિંગ એક એવી રોમાંચક રમત છે જે તમને પક્ષીઓની જેમ હવામાં ઉડીને વિહંગાવલોકન કરવાની તક પૂરી પાડે છે. સિક્કિમમાં આ અનુભવ સ્વર્ગમાં હોવાનો અનુભવ કરાવે છે.
સિક્કિમ કેવી રીતે પહોંચશો ?
ઉત્તર- બંગાળમાં આવેલું બાગડોગરા એરપોર્ટ સૌથી નજીક છે. તે ગંગટોકથી ૧૨૫ કિલોમીટરના અંતરે આવ્યું છે. બાગડોગરા દિલ્હી અને કલકત્તાથી નિયમિત એર-ફલાઈટથી જોડાયેલું છે.સિક્કિમ ટૂરિઝમ ગેંગટોક અને બાગડોગરા વચ્ચે હેલિકોપ્ટરની સેવા આપે છે. પશ્ચિમ અને ઉત્તર સિક્કિમમાં પ્રકૃતિના રમણીય દર્શન કરવા માટે ખાસ ફલાઈટસ પ્રયોજવામાં આવી છે.
સૌથી નજીકનું રેલવે સ્ટેશન સિલિગુરી નજીકનું 'ન્યૂ- જલપાઈગુરી' છે. તે ગેંગટોક સાથે સડક માર્ગે જોડાયેલું છે.
No comments:
Post a Comment