Jul 20, 2012
ટ્રાવેલ - બીજલ
સિટી ઓફ કેનાલ્સ, સિટી ઓફ મ્યુઝિયમ્સ, વેનિસ ઓફ ધ નોર્થ, સિન-સિટી જેવા હુલામણા નામો ધરાવતું 'એમસ્ટરડેમ' નેધરલેન્ડની પશ્ચિમે આવેલા ઉત્તર હોલેન્ડમાં આવ્યું છે. આ શહેર યુરોપનું પ્રખ્યાત પ્રવાસધામ છે અને ત્યાં વર્ષે ચાલીસેક લાખ જેટલાં સહેલાણીઓ આવે છે. એમસ્ટરડેમ એક ધંધાકીય કેન્દ્ર પણ છે. ત્યાં રહીને અન્ય આંતરરાષ્ટ્રીય ધંધાકીય કેન્દ્રો સાથે વિનિમય કરી શકાય છે.એમસ્ટરડેમની ભાષા ડચ છે, પરંતુ અંગ્રેજી ભાષા અહીં સર્વત્ર ચાલે છે. અહીં આવવા માટે ડચ શીખવાની જરૂર પડતી નથી. ડચ ભાષા જર્મન ભાષાની નજીકની હોય એવું લાગે છે,પરંતુ બંનેમાં ઘણો તફાવત છે. થોડાં ડચ શબ્દો આવડે તો સરળતા રહે છે. ખાસ કરીને જાહેર જગ્યાઓના પ્રવેશદ્વારો પર લખેલા 'પુશ (ડુવેન)' અને 'પુલ (ટ્રેકન)' જેવા શબ્દો યાદ રાખ્યા હોય તો સમજપૂર્વક હરીફરી શકાય છે. એમસ્ટરડેમની વસતી આશરે સાત લાખની છે. અહીં છ લાખથી વધારે બાઈસીકલ્સ જોવા મળે છે. અહીંના રસ્તા, શેરીઓ વગેરે સંપૂર્ણ સલામત છે. અહીંના કેફેમાં તમે આખો દિવસ બેસીને વાંચી શકો છો. કેફેના મેનેજર કોઈ જાતની નારાજગી દર્શાવતા નથી. જાહેર સ્થળો સ્વચ્છ અને સુંદર હોય છે. જાહેર પરિવહનની સુવિધા સર્વત્ર છે. મ્યુઝિયમ્સમાં સુંદર, બેનમૂન ચીજવસ્તુઓ જોવા મળે છે. સિટી સેન્ટર અને કેનાલ-સિસ્ટમનો વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ થયો છે. આવું વાતાવરણ અને આવો વૈભવ અન્યત્ર ક્યાં જોવા મળે ?
એમસ્ટરડેમના એરપોર્ટનું નામ સ્કીફોલ એરપોર્ટ છે. અહીં એરોપ્લેન ઉપરાંત ટ્રેન અને બસ દ્વારા પણ લોકો પ્રવાસ કરે છે. પડોશના દેશોમાંથી પણ આ રીતે અવરજવર થઈ શકે છે. એરપોર્ટ પર ઊતરીને ઈન્ટરસિટી ટ્રેન દ્વારા જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય છે. ટ્રેનની ફ્રિકવન્સી ઘણી છે. એમસ્ટરડેમનું રેલવે સ્ટેશન શહેરની મધ્યમાં છે. અહીં ટેક્સી ખર્ચાળ છે. ટિકિટ્સ વેન્ડિંગ મશીન અથવા અન્ય ટિકિટ કાઉન્ટર્સ પરથી મળી રહે છે.
એમસ્ટરડેમ શહેર અર્ધવર્તુળાકારમાં ફેલાયેલું છે. જૂનાં સેન્ટરને ફરતે પાંચ મોટી કેનાલો (નહેરો) વર્તુળ બનાવે છે. શહેરની મધ્યમાં આવેલા અન્ય વિસ્તારોમાં જોર્ડાન નામના નોકરિયાત લોકોનો વિસ્તાર છે. 'પ્લાન્ટેજ' એ ઝૂ અને બોટનિકલ-ગાર્ડન્સવાળો વિશાળ, ખુલ્લો વિસ્તાર છે. સેન્ટરની ફરતે મોટાં માર્ગો છે. જેના પરના કિલ્લો અને ખાઈ જૂના શહેરની શાખ પૂરે છે. અંદરનો વિસ્તાર ઈ.સ. ૧૮૫૦ની પહેલાં બન્યો હતો. બહારનો ભાગ ૧૮૭૦ પછી બન્યો હતો. દક્ષિણ ભાગમાંથી એમસ્ટેલ નદી વહે છે. જે શહેરની અંદર સુધી આવે છે. તેના પર એક ડેમ (બંધ) પણ છે. પ્રત્યેક કેનાલ બીજી નાની કેનાલોથી જોડાયેલી છે જે ફેરી દ્વારા ફરવાની સુવિધા આપે છે. નહેરોની સમાંતર માર્ગો પણ છે જેમાં મોટાં માર્ગો પર ટ્રામ ચાલે છે.
અર્ધવર્તુળનો વિસ્તાર બે કિલોમીટર જેટલો છે. લગભગ બધાં જ પ્રવાસન સ્થળો અને હોટલો આ વિસ્તારમાં છે. એમસ્ટરડેમના નિવાસીઓમાંથી નેવું ટકા જેટલાં આ વિસ્તારની બહાર રહે છે. ઓફિસો, પોર્ટ અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ બહારના ભાગમાં છે જે મુખ્ય કેન્દ્રથી ચાર-પાંચ કિલોમીટરના અંતરે છે.
ટ્રામ, બસ, ફેરી (નાનકડી હોડી) વગેરેને કારણે શહેરમાં ફરવું સરળ છે. બાઈસીકલ દ્વારા કે પગપાળા પણ શહેરમાં ફરી શકાય છે. પ્રવાસીએ અહીં પહોંચ્યા બાદ અહીંનું કાર્ડ ખરીદી લેવું જરૂરી છે. તેની વેલિડિટી ચોવીસ કલાક, અડતાલીસ કલાક, બોંતેર કલાક જેટલી હોય છે. જરૂર મુજબ તે ખરીદી શકાય છે. આ કાર્ડ્સ ટુરિસ્ટ-ઓફિસમાંથી ઉપલબ્ધ બને છે. તેના દ્વારા ટ્રામ, બસમાં મુસાફરી કરવાની સવલત મળે છે. બીજાં એક કાર્ડની મદદથી શહેરના મ્યુઝિયમ્સની મુલાકાત લઈ શકાય છે. બોટ-ક્રુઝ તેમ જ અન્ય ખાવા-પીવાના સ્થળોની મુલાકાત પણ તેની મદદથી લઈ શકાય છે. તેની સાથે શહેરની માર્ગદર્શિકા અને માહિતીપત્રિકા પણ હોય છે. અનલિમિટેડ કાર્ડ દ્વારા શહેરના તમામ સ્થળોની મુલાકાત લઈ શકાય છે. ટ્રાવેલ કાર્ડ બસ કે ટ્રામમાંથી પણ ઉપલબ્ધ બને છે. તેમના દરવાજા આ કાર્ડની મદદથી જ ઉઘાડ-બંધ થાય છે.
એમસ્ટરડેમમાં ફરવા માટે બાઈસીકલ્સ ભાડે મળે છે. સેન્ટ્રલ રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારો જેવા કે લીડસેપ્લિન, રેમ્બ્રાન્ટપ્લીન, ન્યૂ માર્કેટમાં ઘણી હોટલો છે. સામાન્યથી લઈને સ્ટાર-ફેસિલિટીવાળી હોટલો અહીં છે. 'સ્ટે-ઓકે'ની ચેઈન-હોસ્ટેલ્સ સોંઘી છે. તેઓ વધારે પથારીઓવાળા રૂમ પણ આપે છે. કીમતી ચીજવસ્તુની સલામતી માટે અહીં લોકરની સુવિધા પણ છે.
એમસ્ટરડેમના જોવાલાયક સ્થળોમાં મ્યુઝિયમ્સ, માર્કેટ્સ, એન્ટરટેઈન્મેન્ટ અને ઈટરીઝ અથવા બાર-ક્લબ્સ છે.
ખરીદી (માર્કેટ્સ)
શહેરના મ્યુઝિયમ્સમાં આવેલી દુકાનો તેમ જ ડેમ-સ્ક્વેર વિસ્તારમાં આવેલી દુકાનોમાં મનને આકર્ષે એવી ઘણી સરસ ચીજવસ્તુઓ મળે છે. નાઈન-સ્ટ્રીટ્સમાં આવેલી નાનકડી દુકાનો પણ સરસ ચીજવસ્તુઓ વેચે છે. પ્રાચીન કૃતિઓ માટે નૂર્ડર માર્કેટ જવા જેવું છે. આલ્બર્ટ-ક્યુપ માર્કેટ પણ નજીકમાં જ છે. ત્યાં ખાવાની અવનવી વાનગીઓ, ગૃહોપયોગી ચીજવસ્તુઓ તેમ જ સોંઘાં વસ્ત્રો મળે છે.
મ્યુઝિયમ્સ
એમસ્ટરડેમમાં આશરે એકાવન જેટલાં મ્યુઝિયમ્સ છે. તેમાં 'વાન ગો મ્યુઝિયમ' તે કલાકારની સંખ્યાબંધ કૃતિઓ ધરાવે છે. કેટલાંક મ્યુઝિયમ ડચ-ગોલ્ડન- એજની અદ્ભુત કૃતિઓ ધરાવે છે. હિટલરની ક્રૂરતાનો ભોગ બનેલી એન ફ્રેન્કની છુપાવાની જગ્યા અને જ્યાંથી તેણે પોતાની ડાયરી લખી હતી ત્યાં એન-ફ્રેન્ક- હાઉસ નામનું મ્યુઝિયમ બન્યું છે. ડેમ-સ્ક્વેર ખાતે 'ધ રોયલ પેલેસ મ્યુઝિયમ' આવ્યું છે. તેની સામે 'ધ ઈસ્લામિક મ્યુઝિયમ' છે જેમાં ભારતીય કલાકારોની કૃતિઓ પણ જોવા મળે છે.
ખાણી-પીણીનાં સ્થળો
દરેક સ્વાદ અને ખિસ્સાંને પરવડે તે પ્રકારના બાર, ઇટરી, ક્લબ્સ વગેરે અહીં છે. અહીં ભોજન લેવાની રીત ધીમી છે. તમારે જો ઉતાવળ હોય તો પહેલેથી જ મેનુ મગાવીને ઓર્ડર આપવો જરૂરી બની જાય છે. અહીં તમારા ટેબલની જવાબદારી લેનાર કોઈ હોતું નથી. તેથી જાતે પહેલ કરીને ખાનપાન મગાવવા પડે છે. બિલ પણ તમે માગો ત્યારે જ મળે છે. આ તેઓનો શિષ્ટાચાર છે. બિલના દસ ટકા જેટલી રકમની ટીપ આપવાનો રિવાજ છે. ક્રેડિટ કાર્ડ વાપરો તો વેઈટરને ટીપની રકમ ઉમેરવાનું કહેવું જરૂરી છે.અહીં કોઈ જગ્યાએ ફક્ત પીવાનું પાણી મગાવી શકાતું નથી. અન્ય કોઈ ઓર્ડર સાથે પાણી મગાવી શકાય છે. અન્ય યુરોપિયન દેશોથી ઊલટું અહીં શાકાહારીઓ માટે સારી સુવિધા છે. ઊંચી કક્ષાના રેસ્ટોરાં સાથે અહીં પરંપરાગત કેફે, ડચ-પાનકેક-હાઉસીઝ, સ્ટીક હાઉસીઝ તેમ જ સી-ફૂડ આઉટલેટ્સ છે. તિબેટ, ઇથીયોપિયા અને મોરોક્કોનું ભોજન પણ અહીં મળી રહે છે. અહીંની કોફી-શોપ્સ સ્મોકિંગ-રૂમ્સ પણ આપે છે.
મનોરંજન
મૂવીઝ, નાટકો, બેન્ડ્સ, કેસીનોઝ એમ તમામ પ્રકારનું મનોરંજન અહીં ઉપલબ્ધ છે. દરેકને પોતાની પસંદગીનું મનોરંજન અહીં મળી રહે છે.
No comments:
Post a Comment