Aug 17, 2012 |
ચાલો ફરવા
મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં સાતપૂડાની પર્વતમાળામાં આવેલા હિલસ્ટેશન પંચમઢીની ખાસિયત એ છે કે તે ભારતભરમાં તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે તો ઓળખાય જ છે, પણ તેનું ઐતિહાસિક મહત્ત્વ પણ એટલું જ છે. પાંચ પાંડવો આ સ્થળે રહ્યા હોવાની માન્યતા હોવાથી લોકો ધાર્મિક આસ્થા સાથે આ સુંદર સ્થળની મુલાકાત લેવા આવે છે.* સાતપૂડાની પર્વતમાળામાં સ્થિત આ સ્થળનું લાડકું નામ 'સાતપૂડાની રાણી' રાખવામાં આવ્યું છે. પંચમઢી સમુદ્રની સપાટીથી ૧૦૭૦ મીટરની ઊંચાઈ પર આવેલું સ્થળ છે.
* યુનિસેફે પંચમઢીના જંગલ પ્રદેશને ૨૦૦૯માં જીવરક્ષા આરક્ષણ વિસ્તાર જાહેર કર્યો છે. પંચમઢી સાતપૂડા રાષ્ટ્રીય પાર્કનો ભાગ હોવાના કારણે પણ પ્રવાસીઓને આકર્ષે છે.
* એક ધાર્મિક માન્યતા અનુસાર પંચમઢીનું નામ પાંચ પાંડવોની પાંચ ગુફાઓ પરથી પડયું છે. એમ મનાય છે કે પાંચ પાંડવોએ અજ્ઞાતવાસનો ઘણો સમય અહીં વિતાવ્યો હતો. હવે અહીંની પાંડવ ગુફાઓને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરીને વિશેષ રક્ષણ આપવામાં આવે છે.
* પંચમઢીમાં આવેલું મહાદેવનું મંદિર એક ગુફામાં આવેલું છે અને આ ગુફા ૩૦ મીટર લાંબી છે. અહીં સુંદર ચિત્રો ધ્યાનાકર્ષક છે. આ ગુફાનું તાપમાન કાળઝાળ ગરમીમાં પણ ક્યારેય ૨૦ ડિગ્રીથી ઉપર જતું નથી.
* અંગ્રેજ શાસન દરમિયાન ૧૮૬૨માં કેપ્ટન જેમ્સ ર્ફોસિથે પ્રિયદર્શન પોઇન્ટ પરથી સૂર્યાસ્ત નિહાળ્યો અને ત્યાર બાદ પંચમઢીથી પ્રભાવિત થયો હતો. ૧૮૭૦ આસપાસ અંગ્રેજોએ આ સ્થળનો વિકાસ એક હિલસ્ટેશન તરીકે કર્યો હતો.
* પંચમઢીમાં આવેલું પ્રિયદર્શન ત્રણ શિખરમાળાની વચ્ચે આવેલું નયનરમ્ય સ્થળ છે, અહીંથી સૂર્યાસ્તનાં દર્શન રમણીય હોય છે. પંચમઢીની મુલાકાત વખતે મોટાભાગના પ્રવાસીઓ અહીંના સૂર્યાસ્તનાં દર્શનનો લહાવો લે છે.
* ભોપાલથી પંચમઢી ૨૧૧ કિલોમીટરના અંતરે આવ્યું છે. સોહાગપુરના રેલવે સ્ટેશનથી પંચમઢી માત્ર ૧૭ કિલોમીટરની દૂરી પર આવેલું છે.
* પંચમઢીની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમયગાળો જૂન-જુલાઈ મનાય છે. જોકે, ચોમાસામાં અહીંની હરિયાળી જોવા માટે પણ સહેલાણીઓ આવે છે.
No comments:
Post a Comment