Thursday, February 6, 2014

ઓલિમ્પિક્સના જન્મસ્થાને (પ્રવાસ)


Feb 01, 2014 22:25

પ્રવાસ - ડો. ભારતી રાણે
ગ્રીસનો ઊંચામાં ઊંચો પર્વત તે ઓલિમ્પોલ. આ પર્વત દેવી-દેવતાઓનું નિવાસસ્થાન ગણાય છે. આ ઓલિમ્પોસ પરથી એ પ્રદેશનું નામ પડયું ઓલિમ્પિયા અને એ સ્થળે રમાતી રમતોની સ્પર્ધાઓનો આ ઉત્સવ ઓલિમ્પિક્સ કહેવાયો
ગ્રીક પુરાણકથાઓની એક અલગ જ પ્રકારની અત્યંત રસપ્રદ દુનિયા છે. એનાં પાત્રો વિશે જાણતાં મનની એ માન્યતા ફરી એક વાર દૃઢ થાય છે કે યાદગાર અને મહાનતમ ઇતિહાસનું સર્જન રાજખટપટથી કે યુદ્ધમાં વહાવેલાં લોહીથી કરી શકાતું નથી. કલા, કવિતા અને પ્રેમને આમ પ્રતીકાત્મક રીતે પૂજતી પ્રજા જ ભવ્ય સંસ્કૃતિને ઘડી શકે છે. ગ્રીસના ઇતિહાસમાં જ જુઓને, એક તરફ રાજા એલેક્ઝાન્ડર ધ ગ્રેટ છે, જે ગ્રીસના સામ્રાજ્યનો વિસ્તાર કરતો કરતો આખા યુરોપથી આગળ વધીને ઇજિપ્ત અને ત્યાંથીય આગળ એશિયામાં છેક આપણા હિન્દુસ્તાન સુધી પહોંચ્યો, પણ આખરે એક દિવસ જેને આખી પૃથ્વી ઓછી પડતી હતી એ રાજાને સમાવવા બે ગજની કબર પૂરતી થઈ ગઈ. આજે લોકોના માનસપટ પરથી એલેક્ઝાન્ડર પણ ભૂંસાઈ ગયો છે, જ્યારે એથેનાનું મંદિર ખંડિત હોવા છતાંય આજ સુધી પૂજનીય બની રહ્યું છે. સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલનું દર્શન હજીય વિશ્વને રાહ ચીંધતું અજર-અમર ઊભું છે. હોમરનાં મહાકાવ્યો 'ઇલિયાડ' અને 'ઓડિસ્સી' હજીય આપણને ભાવવિભોર કરી દે છે!
સામે દેખાતો રસ્તો એક્રોપોલિસની ટેકરી પર લઈ જતો હતો, પણ ત્યાં ઉપર જતાં પહેલાં એક બીજી રોમાંચક જગ્યા જોવાની બાકી હતી. એ હતું પુરાણું ઓલિમ્પિક સ્ટેડિયમ-૧૮૯૬માં જ્યાં પહેલવહેલી ઓલિમ્પિક રમતો યોજાઈ, તે ઐતિહાસિક સ્થળ. આમ તો આ સ્ટેડિયમનું બાંધકામ અને સત્તાવાર રીતે ઓલિમ્પિક્સનું આયોજન ૧૮૯૬માં થયું, પણ ઓલિમ્પિક રમતો તો આદિકાળથી રમાતી આવી છે.
પ્રાચીન ગ્રીસમાં ઓલિમ્પિયા નામના સ્થળે દેવ-દેવીઓના પિતા ઝિયસ પ્રત્યેના ભક્તિભાવરૂપે રમતોત્સવ યોજાતો, પણ એનું સ્થળ આ નહીં, બીજું હતું. ગ્રીસનો ઊંચામાં ઊંચો પર્વત તે ઓલિમ્પોલ. આ પર્વત દેવી-દેવતાઓનું નિવાસસ્થાન ગણાય છે. આ ઓલિમ્પોસ પરથી એ પ્રદેશનું નામ પડયું ઓલિમ્પિયા અને એ સ્થળે રમાતી રમતોની સ્પર્ધાઓનો આ ઉત્સવ ઓલિમ્પિક્સ કહેવાયો. એ સમયે છેક સ્પેનથી લઈને તુર્કસ્તાન સુધી જ્યાં જ્યાં ગ્રીસનાં નગરરાજ્યો ફેલાયેલાં હતાં, એ બધાંના ખૂણે ખૂણેથી રમતવીરો અહીં આવતા અને વિવિધ સ્પર્ધાઓનાં ઇનામો જીતીને જતા. ઈ.સ. પૂર્વે ૭૭૬થી દર ચાર વર્ષે યોજાતી આ રમતોની સાબિતી ઇતિહાસ પાસે છે, પણ માનવામાં આવે છે કે આ પરંપરા એથીય બસો-ત્રણસો વર્ષ પુરાણી હોવી જોઈએ. એ સમયે પ્રતિયોગીઓ નિર્વસ્ત્ર અવસ્થામાં રહેતા અને સ્ત્રીઓને એમાં પ્રવેશ મળતો નહીં. જોકે આ નિષેધને પ્રતિયોગીઓના નિર્વસ્ત્રપણા સાથે કોઈ લેવાદેવા નહોતી, પણ દેવ ઝિયસના માનમાં યોજાતો હોવાથી આ ઉત્સવનું સ્થળ પુરુષો માટે પવિત્ર ગણાતું અને એના પર એમનો વિશેષ અધિકાર રહેતો. (સ્ત્રીઓ માટે વળી અલગ ઉત્સવો પણ હતા, જેમાં પુરુષોને પ્રવેશ ન હોય.) કહેવાય છે કે ઈ.સ. પૂર્વે ૭૨૦માં એક સ્પર્ધકનું હાફ પેન્ટ દોડતાં દોડતાં નીકળી ગયું (અથવા દોડવામાં નડતું હોવાથી એણે ઉડાડી મૂક્યું),ત્યારથી પ્રતિયોગીઓના નિર્વસ્ત્રપણાની આ પ્રથા શરૂ થઈ!
ધીરે ધીરે રમતોત્સવ એટલો લોકપ્રિય થવા લાગ્યો કે દૂર દૂરથી પ્રેક્ષકો, કવિઓ, સ્થપતિઓ, કલાકારો એ નિમિત્તે અહીં આવવા લાગ્યા. જાણે કોઈ જાત્રા કે મેળો હોય તેવો સાંસ્કૃતિક આદાનપ્રદાનનો માહોલ સર્જાતો ગયો. પ્લેટોએ સિત્તેર વર્ષની ઉંમરે એમાં હાજરી આપ્યાની નોંધ છે, તો વળી આદ્ય ઇતિહાસકાર હેરોડોટ્સ જેવા મહાનુભાવો પણ અહીં પધારેલા તેવું ઇતિહાસ કહે છે.
૧૮૯૬માં બંધાયેલ આધુનિક ઓલિમ્પિક્સના જન્મસ્થાનમાં વિશાળ પ્રવેશદ્વારની સામે ઊંધા યુ આકારના રનિંગ ટ્રેક દોરેલા હતા. ટ્રેકની ધાર પર ત્રણે તરફ પ્રેક્ષકોને બેસવા માટે સંગેમરમરનાં સળંગ પગથિયાં પાડેલાં હતાં. જમણી તરફનાં આરસનાં એ પગથિયાંની વચ્ચોવચ આરસનાં બે સિંહાસન કોતરેલાં હતાં. સ્ટેડિયમ ખૂબ નાનું હતું, પણ ત્યાં હોવાનો અને એની ધરતીને સ્પર્શવાનો અનુભવ રોમાંચક હતો. ટ્રેક પર એક રાઉન્ડ દોડતાં તો હૃદયમાં મહાન સ્પાર્ટન રમતવીરોના પગરવ ધબકવા લાગ્યા.
સામે એક્રોપોલિસની ટેકરી દેખાઈ રહી હતી અને દેખાઈ રહ્યું હતું, ભવ્ય પાર્થેનોનનું મંદિર. ર્પિશયનોએ તોડફોડ કર્યા પછી બચેલા પાર્થેનોનને અને આખી એક્રોપોલિસની ટેકરીને સરકારે ટૂરિસ્ટ સ્પોટ તરીકે સાચવ્યું છે. ટેકરી પર મોટા મેદાન જેવી સપાટ જગ્યા પર પુરાણા પ્રવેશદ્વાર પ્રોપિલિયાનો ધ્વસ્ત અવશેષ આપણને આવકારે છે. મેદાનની વચ્ચોવચ એથેનાના મંદિર પાર્થેનોનનું હાડપિંજર ઊભું છે. ખંડિત અવસ્થામાં પણ એ એટલું ઉદાત્ત અને પ્રભાવશાળી લાગે છે કે, એક વાર જોનાર એને ક્યારેય ભૂલી ન શકે! પાર્થેનોનની સામે જ એક બીજું મહાલય મોહિની પ્રસરાવી રહ્યું છે, જેના પ્રાંગણમાં એથેના અને પોસિડિયોન વચ્ચે સ્પર્ધા થઈ તે મહાલય એરેક્થિયોન. એનો બહુ ઓછો ભાગ બચ્યો છે, પણ જે ભાગ જોઈ શકાય છે તે અદ્ભુત છે. આ મહાલયના પ્રવેશદ્વાર પર છતને આધાર દેતા છ સ્તંભની જગ્યાએ અતિ સ્વરૂપવાન સુંદરીઓનાં શિલ્પ છે. સમયના અતિક્રમણ સામે ટકી રહેલ આ શિલ્પમાં આખી છતનો ભાર સહજતાથી કલાત્મક રીતે ઊંચકીને ઊભેલી આ સુંદરીઓ સમાજની ગૌરવવંતી પરંપરાઓને જાળવીને વિશ્વનો ભાર સહજ રીતે ઊંચકી શકવાની સ્ત્રીની ક્ષમતાનું પ્રતીક છે જાણે!
ટેકરી પર ઠેર ઠેર પથ્થરો વિખરાયેલા પડયા છે. મહેલો, સભાગૃહો અને છેક છેડે બંદીગૃહ, બધાંની જ આજે તો પથ્થરોમાં ભેળસેળ થઈ ગઈ છે. નીચે મકાનોથી ખીચોખીચ ભરેલું એથેન્સ શહેર આખુંય દેખાય છે અને એ ભર્યાભાદર્યા શહેરમાં ઠેર ઠેર ડોકાતાં ખંડેરોમાં જુઓ, પેલું દૂર દેખાય છેને તે છે વિશ્વનું પ્રાચીનતમ ઓડિટોરિયમ ઓડિયોનનું ખંડેર, જ્યાંથી એકાદ કાવ્ય અને સંગીતની રમઝટ રેલાતી. આપણે કોરસ ગાઈએ છીએને? એનું આ જન્મસ્થળ અને પેલું રહ્યું તૂટેલું ફૂટેલું ડાયોનિસસનું થિયેટર,જ્યાં વિશ્વનું પહેલવહેલું નાટક ભજવાયું. અરે! અરે! આ શું દેખાઈ રહ્યું છે? આ બકરાની ખાલ ઓઢીને કોણ નાચી રહ્યું છે? 

No comments:

Post a Comment